વિજાપુર પોલીસ મથકે લોકદરબાર યોજાયો
દારૂ-જુગાર સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા રજૂઆત
વાત્સલ્યમ સમાચાર સૈયદજી બુખારી વિજાપુર

વિજાપુર પોલીસ સ્ટેશન ખાતે મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની ઉપસ્થિતિમાં લોકદરબાર યોજાયો હતો. લોકદરબારમાં કાયદો અને વ્યવસ્થા, નાગરિકોની સુરક્ષા, દારૂ-જુગાર સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ તેમજ પોલીસ મથકે ફરિયાદ લઈને આવતા લોકોને પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
લોકદરબારમાં નાગરિકો અને વિજાપુર નગરપાલિકાના ચૂંટાયેલા લોકસેવકોએ શહેર તથા તાલુકામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા કડક અને અસરકારક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. પોલીસ અને નાગરિકો વચ્ચે સંવાદ તથા વિશ્વાસનું વાતાવરણ વધુ મજબૂત બને અને ફરિયાદોના ઝડપી નિવારણ માટે સરળ વ્યવસ્થા ઊભી થાય તે અંગે પણ સૂચનો કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે કોર્પોરેટર તનજીલ અલીએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે યુવા પેઢી દારૂ અને જુગાર જેવી પ્રવૃત્તિઓ તરફ આકર્ષાઈ રહી હોવાની ચિંતા છે. આવી અસામાજિક પ્રવૃત્તિઓ પર અસરકારક અંકુશ આવે તે માટે જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ તેમણે કરી હતી.
સામાજિક કાર્યકર તરુણ પટેલે પણ લોકદરબારમાં વિજાપુર તાલુકામાં કાયદો-વ્યવસ્થા અને દારૂબંધીના અમલ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે એસપી સમક્ષ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે કાયદાનો અમલ માત્ર કાગળ પર નહીં, પરંતુ જમીન પર પણ અસરકારક રીતે જોવા મળવો જોઈએ.
તરુણ પટેલે જણાવ્યું હતું કે 8 સપ્ટેમ્બર, 2026ના રોજ તેઓ એડવોકેટ રમેશસિંહ તથા એક મહિલા અરજદારની સમસ્યા અંગે વિજાપુર પોલીસ સ્ટેશન ગયા હતા. તે સમયે પોલીસ ઇન્સ્પેક્ટરે કેબિનમાં હાજર નાગરિકોની સામે તમાકુયુક્ત મસાલાનું સેવન કરી ડસ્ટબિનમાં પિચકારી મારી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. આ અંગે તેમણે 10 સપ્ટેમ્બરના લોકદરબારમાં એસપી સમક્ષ રજૂઆત કરી જવાબદાર અધિકારી સામે કાર્યવાહી અંગે પ્રશ્ન કર્યો હતો.
તેમણે વિજાપુર તાલુકામાં દારૂના વેચાણ પર સંપૂર્ણ નિયંત્રણ ક્યારે આવશે, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ક્યારે થશે અને કાયદો ભંગ કરનારાઓ સામે નિષ્પક્ષ કાર્યવાહી થશે કે નહીં તેવા પ્રશ્નો પણ ઉઠાવ્યા હતા.
તરુણ પટેલે જણાવ્યું હતું કે તેમની રજૂઆત કોઈ વ્યક્તિગત વિરોધ માટે નહીં, પરંતુ જનહિત, કાયદાના શાસન અને જાહેર જવાબદારી માટે છે. કાયદો સામાન્ય નાગરિકથી લઈને સત્તા અને પદ પર બેઠેલા દરેક વ્યક્તિ માટે સમાન રીતે લાગુ પડવો જોઈએ. પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા કાયદાનો અમલ નિષ્પક્ષ, પારદર્શક અને જવાબદારીપૂર્વક કરવામાં આવે તેવી તેમણે માંગ કરી હતી.
લોકદરબાર દરમિયાન નાગરિકોએ સ્થાનિક સ્તરે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, દારૂ-જુગાર સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ પર નિયંત્રણ આવે અને પોલીસની કામગીરી વધુ અસરકારક બને તે માટે વિવિધ રજૂઆતો તથા સૂચનો કર્યા હતા.








