રિપોર્ટર

હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
નવરાત્રિ પૂર્વે દીકરીઓને સ્વરક્ષણની તાલીમ આપી સુરક્ષા અને આત્મવિશ્વાસ વધારવાનો પ્રયાસ
અમદાવાદ: નવરાત્રિના પર્વ પહેલાં દીકરીઓમાં સ્વરક્ષણ અંગે જાગૃતિ લાવવા અને તેમને આત્મવિશ્વાસ સાથે પોતાની સુરક્ષા કરી શકે તે માટે અમદાવાદના ખોખરા સ્થિત કમલ મેદાન ખાતે 1,000 દીકરીઓ માટે મેગા સ્વરક્ષણ તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ખોખરા યુથ ફેડરેશન અને ભયમુક્ત ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દીકરીઓને સ્વરક્ષણની પ્રાયોગિક તાલીમ આપીને તેમને સશક્ત અને નિર્ભય બનાવવાનો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં અમદાવાદના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત, ગુજરાત રાજ્યનાં મંત્રી દર્શનાબેન વાઘેલા, સાંસદ દિનેશ મકવાણા અને ધારાસભ્ય અમુલ ભટ્ટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ વર્કશોપમાં આંતરરાષ્ટ્રીય વુશુ ચેમ્પિયન, વર્લ્ડ રેકોર્ડ ધારક અને પ્રધાનમંત્રી પુરસ્કાર વિજેતા નિષ્ણાત કોચ અમનદીપ સિંહ ગોત્રાએ દીકરીઓને સ્વરક્ષણની પ્રાયોગિક તાલીમ આપી હતી. તાલીમ દરમિયાન તેમને વિવિધ મુશ્કેલ પરિસ્થિતિઓમાં સતર્ક રહેવા, જોખમને ઓળખવા અને પોતાની સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ગુડ ટચ અને બેડ ટચ વચ્ચેનો તફાવત સમજાવવા ઉપરાંત, હુમલાની પરિસ્થિતિમાં બચાવ કરવાની રીતો, અપહરણના પ્રયાસો સામે સાવચેતી અને જાતીય હુમલાના જોખમનો સામનો કરતી વખતે સ્વરક્ષણ અંગે માહિતી આપવામાં આવી હતી. ખાસ કરીને નવરાત્રિ દરમિયાન ગરબા અને અન્ય ઉજવણીના કાર્યક્રમોમાંથી મોડી રાત્રે ઘરે પરત ફરતી વખતે સલામતી જાળવવા તથા આસપાસના વાતાવરણ પ્રત્યે સજાગ રહેવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પહેલ દ્વારા દીકરીઓને માત્ર શારીરિક સ્વરક્ષણની તકનીકો શીખવવાનો જ નહીં, પરંતુ મુશ્કેલ પરિસ્થિતિમાં હિંમત, સમજદારી અને આત્મવિશ્વાસ સાથે નિર્ણય લઈ શકે તે માટે પ્રેરિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્વરક્ષણની તાલીમથી દીકરીઓમાં સુરક્ષા અંગેની સમજ વધે અને તેઓ પોતાની તથા અન્યની સલામતી પ્રત્યે વધુ જાગૃત બને તેવો આશય પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
“ભયમુક્ત ગુજરાત – સુરક્ષિત ગુજરાત”ના સંકલ્પ સાથે યોજાયેલા આ વર્કશોપને દીકરીઓના સશક્તિકરણ અને મહિલા સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવાની દિશામાં એક પ્રયાસ તરીકે જોવામાં આવે છે. નવરાત્રિ જેવા ઉત્સવના માહોલમાં દીકરીઓને સુરક્ષિત અવરજવર અને સ્વરક્ષણ અંગે માર્ગદર્શન આપવાની આ પહેલનું વિશેષ મહત્ત્વ છે.
સશક્ત દીકરી, સુરક્ષિત ગુજરાતના સંદેશ સાથે યોજાયેલા આ વર્કશોપે દીકરીઓમાં આત્મવિશ્વાસ, જાગૃતિ અને સ્વરક્ષણની સમજ વિકસાવવાનો પ્રયાસ કર્યો હતો.










