તારીખ ૨૮/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેરમાં છેલ્લા 24 કલાકથી આતંક મચાવી રહેલા હડકાયા કૂતરાનો આખરે અંત આવ્યો છે. શનિવાર સાંજથી રવિવાર બપોર સુધીમાં આશરે 43 લોકોને બચકા ભરનાર આ હડકાયા શ્વાનને કાલોલ નગરપાલિકાની ટીમે ભારે જહેમત બાદ કાબુમાં લઈ મોતને ઘાટ ઉતારતા નગરજનોએ રાહતનો શ્વાસ લીધો છે.
રવિવારે સવારે કાલોલ રેફરલ હોસ્પિટલમાં હડકાયા કૂતરાએ કરડેલા દર્દીઓની લાંબી કતારો લાગી હોય તેવો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ 25 જેટલા ઇજાગ્રસ્તોને કાલોલ રેફરલ હોસ્પિટલમાં જ હડકવા વિરોધી રસી અને સારવાર આપવામાં આવી હતી, જ્યારે ગંભીર રીતે ઘવાયેલા 18થી વધુ લોકોને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર શનિવારે સાંજે શરૂ થયેલો આતંક રવિવારે બપોર સુધી પણ યથાવત રહ્યો હતો. શરૂઆતમાં 10થી 12 લોકોને કરડ્યાની માહિતી બાદ રવિવારે કસ્બા વિસ્તારમાં જ 15થી 20 જેટલા લોકોને આ એક જ કૂતરાએ બચકા ભર્યા હતા. મોટાભાગના લોકોને પગના ભાગે ઇજાઓ પહોંચી હતી.અને શહેરમાં વધતા હડકાયા શ્વાનની આતંક ની જાણ થતા જ કાલોલ નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું અને હડકાયા શ્વાનને પકડવા માટે બે ખાસ ટીમો બનાવવામાં આવી હતી. ટીમો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આખરે ભારે જહેમત બાદ શ્વાનને ઝડપી લેવામાં સફળતા મળી હતી અને તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. જ્યાં આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં રખડતા કૂતરાઓના નિયંત્રણ માટે કાયમી વ્યવસ્થા ઊભી કરવાની જરૂરિયાત પર સવાલો ઉભા કર્યા છે.











