તારીખ ૦૮/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના મઘાસર ચોકડી પાસે આવેલ પંચ હોટલ નજીક હાઇવે રોડ પર ગફલતભરી રીતે વાહન હંકારવાના કારણે એક ગંભીર અકસ્માત સર્જાયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આ કામના સાહેદ ધનાભાઈ ડાહ્યાભાઈ પરમાર નાઓ મઘાસર ચોકડી પંચ હોટલ પાસે દુકાન ઉપરથી દૂધ લઈને હાઇવે રોડ ક્રોસ કરી રહ્યા હતા, તે દરમિયાન આરોપી ચાલકે પોતાના કબજાની મોટર સાયકલ નંબર- GJ-17-CB-4378 ને પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ધનાભાઈને ટક્કર મારી હતી. અને અકસ્માતમાં ધનાભાઈ પરમાર નીચે પટકાતા તેમને માથામાં કપાળના ભાગે, જમણા પગના થાપાના ભાગે તથા શરીરે નાની-મોટી ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેઓ બેભાન થઈ ગયા હતા. આ અંગે તેમના પુત્ર સુનિલકુમાર ધનાભાઈ પરમાર, ઉં.વ. 35, રહે. કાંતોલ નવી નગરી, તા. કાલોલ, જી. પંચમહાલ (હાલ નોકરી – ડ્રાઈવર, નાલંદા ખાનગી સ્કૂલ, આજવા, વડોદરા) એ કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર, ગઈ તા. 01/10/2026 ના રોજ સવારે 7 વાગ્યાના સુમારે તેઓ વડોદરા ખાતે હતા ત્યારે તેમના પિતાના મોબાઈલ પરથી અજાણ્યા વ્યક્તિએ ફોન કરી અકસ્માતની જાણ કરી હતી. 108 એમ્બ્યુલન્સ અને અકસ્માત કરનાર ચાલક દ્વારા ઈજાગ્રસ્તને પહેલા કાલોલ સરકારી દવાખાને અને ત્યારબાદ હાલોલ સર્જીકલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલ ઈજાગ્રસ્તની સારવાર હાલોલ ખાતે ચાલી રહી છે. જ્યાં સ્થળ પર હાજર લોકોએ અકસ્માત કરનાર બાઇકના ફોટા પાડી લીધા હતા, જેના આધારે બાઇકનો નંબર સામે આવ્યો છે. ફરિયાદી પોતાની પત્ની અને કુટુંબી ભાઈ સાથે પોલીસ મથકે હાજર થઈ આરોપી બાઇક ચાલક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી છે. કાલોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.










