MORBI:મોરબીના ઘૂંટુ પ્રાથમિક શાળામાં ‘શિક્ષક દિન’ની અનોખી ઉજવણી: ‘ટીચર-પોડકાસ્ટ’, ‘ગુરુદક્ષિણા’ અને ‘ગુરુવોલ’ જેવા ઇનોવેટિવ કાર્યક્રમો યોજાયા

મોરબી:ઘૂંટુ પ્રાથમિક શાળા દ્વારા આ વર્ષે શિક્ષક દિનની ઉજવણી પરંપરાગત પદ્ધતિથી હટકે, તદ્દન ઇનોવેટિવ અને સર્જનાત્મક રીતે કરવામાં આવી હતી. શાળા પરિવાર દ્વારા ‘ટીચર-પોડકાસ્ટ’, ‘ગુરુદક્ષિણા’ અને ‘ગુરુવોલ’ જેવા અનોખા કાર્યક્રમોનું આયોજન કરીને ગુરુ-શિષ્યના સંબંધોને એક નવી ઊંચાઈ આપવામાં આવી હતી.

ચક્રાકાર ફરકડી અને ‘ટીચર પોડકાસ્ટ’કાર્યક્રમના મુખ્ય આકર્ષણ રૂપ ‘ટીચર પોડકાસ્ટ’માં એક ચક્રાકાર ફરકડી પર શાળાના તમામ શિક્ષકોના નામ લખવામાં આવ્યા હતા. ફરકડી ફેરવીને જે શિક્ષકનું નામ આવે, તે શિક્ષકનો ઇન્ટરવ્યૂ શાળાના જ બે વિદ્યાર્થીઓ દ્વારા લેવામાં આવ્યો હતો. બાળકોએ શિક્ષકોને તેમના શોખ, શિક્ષક બનવા પાછળની પ્રેરણા, જીવનના આદર્શો, બાળપણની યાદો અને શાળાજીવનના તોફાની પ્રસંગો અંગે રસપ્રદ અને મજેદાર પ્રશ્નો પૂછ્યા હતા. આ માધ્યમથી વિદ્યાર્થીઓને પોતાના ગુરુજનોના જીવન, સંઘર્ષ અને પ્રેરણાદાયી સફરને નજીકથી જાણવાનો અદ્ભુત મોકો મળ્યો હતો.

‘ગુરુદક્ષિણા પેટી’ — સંકલ્પની સાચી ભેટ -ભૌતિક કે મોંઘી વસ્તુઓ આપવાને બદલે વિદ્યાર્થીઓએ જીવનમાં સારા પરિવર્તન લાવવાના સંકલ્પો લઈ સાચી ગુરુદક્ષિણા અર્પણ કરી હતી. શાળામાં રાખવામાં આવેલી ‘ગુરુદક્ષિણા પેટી’માં બાળકોએ વ્યસનમુક્તિ, માતા-પિતાને રોજ પ્રણામ કરવા, નિયમિત અભ્યાસ, પર્યાવરણ જતન, જંક ફૂડ ત્યાગવું અને રોજ નવા સ્પેલિંગ કે શ્લોક શીખવા જેવા સુંદર સંકલ્પોની ચિઠ્ઠીઓ મૂકી હતી.
‘ગુરુ વોલ’ — કૃતજ્ઞતાની અભિવ્યક્તિ
શિક્ષકો પ્રત્યે આદર અને સ્નેહ વ્યક્ત કરવા માટે ‘ગુરુ વોલ’ નામે એક વિશેષ બોક્સ રાખવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ પોતાની મનની લાગણીઓ ચિઠ્ઠીઓ દ્વારા વ્યક્ત કરી હતી. “સર, તમે મારામાં વિશ્વાસ રાખ્યો એટલે મને મારામાં વિશ્વાસ આવ્યો” અને “તમે અમને માત્ર ભણાવતા નથી પણ સારા માણસ બનાવો છો” જેવી સ્પર્શી જાય તેવી વાતો બાળકોએ લખીને શિક્ષકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.

શાળાના આ નવતર પ્રયોગથી વિદ્યાર્થીઓમાં સંસ્કાર, સદ્ગુણો અને આદરભાવનું સિંચન થવાની સાથે સમગ્ર શાળા પરિસરમાં ઉત્સાહ અને પ્રેમભર્યું વાતાવરણ સર્જાયું હતું.










