કાલોલ નજીક મુંબઈ-દિલ્હી હાઈવે પર હિટ એન્ડ રન: અજાણ્યા વાહનની અડફેટે અંકલેશ્વરના યુવકનો ઘટનાસ્થળે કરૂણ મોત.

તારીખ ૧૪/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

દિલ્હી-મુંબઈ હાઈવે રોડ પર કાલોલ તાલુકાના બકરોલ ગામની સીમમાં સોમવારે વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઉજ્જૈન ખાતે મહાકાલેશ્વરના દર્શને જઈ રહેલા અંકલેશ્વરના યુવકોની કારને પાછળથી કોઈ અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારતાં કાર ચલાવી રહેલા યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અકસ્માત સર્જીને અજાણ્યો વાહનચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો છે.

મળતી માહિતી મુજબ, ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જી.આઈ.ડી.સી. ખાતે રહેતા કલ્પેશભાઈ પ્રફુલભાઈ ભાનુશાલી (ઉં.વ. ૩૨) તેમના મિત્ર દીપ મહેશભાઈ પટેલ (ઉં.વ. ૩૧) ની હ્યુન્ડાઈ વર્ના કાર નંબર: GJ 16 DG 6006 લઈને તા. ૧૩/૦૯/૨૦૨૬ ના રોજ રાત્રે ૧૨:૦૦ વાગ્યાના સુમારે અંકલેશ્વરથી ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિર દર્શન કરવા માટે નીકળ્યા હતા. કાર દીપભાઈ પોતે ચલાવી રહ્યા હતા. દરમિયાન તા. ૧૪/૦૯/૨૦૨૬ ના રોજ વહેલી સવારે આશરે ૦૧:૪૫ વાગ્યાના સુમારે, કાર કાલોલ તાલુકાના બકરોલ ગામ નજીક દિલ્હી-મુંબઈ હાઈવે પરથી પસાર થઈ રહી હતી. એ સમયે કલ્પેશભાઈ મોબાઈલ જોઈ રહ્યા હતા ત્યારે અચાનક પાછળથી કોઈ અજાણ્યા વાહને ડ્રાઈવર સાઈડ તરફ જોરદાર ટક્કર મારી હતી.અકસ્માત એટલો ભયાનક હતો કે કારની એરબેગ્સ ખુલી ગઈ હતી અને ડ્રાઈવર સાઈડનો ભાગ આખો ઘસડાઈ ગયો હતો. આ અકસ્માતમાં કાર ચલાવી રહેલા દીપ મહેશભાઈ પટેલને માથાના ભાગે, જમણી આંખે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેઓ બેભાન થઈ ગયા હતા. અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ૧૦૮ ના તબીબોએ તપાસીને દીપભાઈ પટેલને સ્થળ પર જ મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ કાલોલ નગરપાલિકાની શબવાહિની મારફતે મૃતદેહને કાલોલ રેફરલ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવ્યો હતો.ઘટના અંગે કલ્પેશભાઈ ભાનુશાલીએ કાલોલ પોલીસ સ્ટેશનમાં અકસ્માત સર્જીને ભાગી જનાર અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. કાલોલ પોલીસે BNS ની કલમ ૨૮૧, ૧૦૬(૧) તથા મોટર વાહન અધિનિયમની કલમ ૧૭૭, ૧૮૪, ૧૮૭ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પોલીસ સબ ઈન્સ્પેક્ટર એસ. આર. મકવાણાને સોંપી છે.

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો