વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ
સબસીડીયુક્ત ખાતરના વેચાણમાં નિયમોના ભંગ બદલ લાયસન્સ રદ, જવાબદાર સામે પોલીસ ફરિયાદ
નવસારી: ખેડૂતોને સબસીડીયુક્ત ખાતર પારદર્શક અને સમયસર મળી રહે તે માટે નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન ચીખલી તાલુકાના ઘેજ ગામની સહકારી મંડળીમાં ખાતર વેચાણને લગતી ગેરરીતિ સામે આવી હોવાનું જણાવાયું છે.
નવસારી જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ ‘કાર્યકારી સહકારી મંડળી લિ., ઘેજ’ ખાતે વર્ષ 2023-24થી 2025-26 દરમિયાન ખાતર વેચાણ સંબંધિત POS રેકોર્ડ, બિલબુક અને સ્ટોક રજિસ્ટરની સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન ખાતર નિયંત્રણ સંબંધિત નિયમો તેમજ ફોર્મમાં નિર્ધારિત શરતોના ભંગની બાબતો સામે આવતા વહીવટીતંત્ર દ્વારા મંડળીનું ખાતર વેચાણ લાયસન્સ તા. 1 ઓક્ટોબર 2025થી રદ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત, સમગ્ર મામલે જવાબદારી નક્કી કરીને તા. 7 ઓક્ટોબર 2025ના રોજ ખેતી અધિકારી, ચીખલી દ્વારા ધર્મેશભાઈ છનાભાઈ પટેલ વિરુદ્ધ ચીખલી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ખાતર જેવી ખેડૂતો માટે જરૂરી અને સબસીડીયુક્ત ચીજવસ્તુના વિતરણમાં નિયમોનું પાલન થાય અને ખેડૂતોને યોગ્ય રીતે લાભ મળી રહે તે માટે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી મહત્વપૂર્ણ બની છે.










