વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ સરકાર સામે એક ઉગ્ર વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ હતુ.કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સહિત ઈન્ડિયા (INDIA) ગઠબંધનના અગ્રણી નેતાઓ સામે પોલીસે કરેલી કાર્યવાહી અને લાઠીચાર્જના આક્ષેપોના વિરોધમાં આ પ્રદર્શન યોજાયું હતુ. ડાંગ જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ગાંધી ઉદ્યાન નજીક એકત્રિત થયા હતા, જ્યાં તેમણે હાથમાં બેનરો અને પ્લેકાર્ડ્સ સાથે ભાજપ સરકાર વિરુદ્ધ ભારે નારેબાજી કરી રોષ વ્યક્ત કર્યો હતો.વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસી નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે વર્તમાન સરકાર વિપક્ષના નેતાઓ સામે પોલીસ દ્વારા દમનકારી વલણ અપનાવી રહી છે. લોકશાહી વ્યવસ્થામાં વિપક્ષને પોતાની વાત રજૂ કરવાનો અને શાંતિપૂર્ણ વિરોધ નોંધાવવાનો બંધારણીય અધિકાર છે, પરંતુ વિરોધ પ્રદર્શન દરમિયાન લાઠીચાર્જ જેવી કારવાઈ કરવી તદ્દન અયોગ્ય છે. આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સ્નેહલભાઈ ઠાકરે, વિરોધ પક્ષના નેતા મંગળભાઈ ગાવિત તેમજ તાલુકા અને જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.કોંગ્રેસના આગેવાનોએ સરકારને સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો આગામી દિવસોમાં વિપક્ષના નેતાઓ અને કાર્યકરો સાથે ફરીથી આ પ્રકારનું હિંસક કે દમનકારી વર્તન કરવામાં આવશે, તો સમગ્ર ડાંગ જિલ્લામાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. જરૂર પડીએ ચક્કાજામ જેવા જલદ કાર્યક્રમો યોજવાની પણ ચીમકી આપવામાં આવી હતી. ગાંધી ઉદ્યાન આસપાસ યોજાયેલા આ વિરોધ પ્રદર્શનને કારણે સમગ્ર વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો છે અને આગામી દિવસોમાં પણ આ મુદ્દે કોંગ્રેસ દ્વારા વધુ વિરોધ કાર્યક્રમો યોજાય તેવી શક્યતા સેવાઈ રહી છે.










