વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ 

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે તા. 30 ઓક્ટોબરે ભીલડીની ધરતી પર આવી રહ્યા છે ત્યારે સમગ્ર બૃહદ બનાસકાંઠા સહિત વાવ-થરાદ જિલ્લામાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાનના સ્વાગત અને અભિવાદન માટે લોકોમાં ભારે ઉત્સાહ છવાયો છે.
ભીલડી ખાતે નિર્માણ પામેલા ભારત બોવિંગ-બ્રીડિંગ રિસર્ચ સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન ઉપસ્થિત રહેશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, સમગ્ર બૃહદ બનાસકાંઠા જિલ્લામાં જાણે દિવાળી જેવો ઉત્સવનો માહોલ સર્જાયો છે.
શંકરભાઈ ચૌધરીના જણાવ્યા મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને વિઝન સાથે તૈયાર થયેલું આ સંશોધન કેન્દ્ર પશુપાલન ક્ષેત્રે સંશોધન અને વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. આ કેન્દ્ર થકી ભારત અને બૃહદ બનાસકાંઠાને વૈશ્વિક સ્તરે નવી ઓળખ મળવાની આશા છે.
ખેડૂતો માટે પણ ‘દિવાળી ગિફ્ટ’
વડાપ્રધાન ભીલડી ખાતેથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો પણ પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં સીધો જમા કરાવશે. જેના પગલે ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે.
કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવા માટે વિવિધ જિલ્લા પંચાયતો ખાતે એલઈડી સ્ક્રીનની વ્યવસ્થા કરવામાં આવશે. ખેડૂતો અને નાગરિકો વડાપ્રધાનનું સંબોધન તથા ભીલડીના કાર્યક્રમનું સીધું પ્રસારણ નિહાળી શકશે.









