રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૯.૧૦.૨૦૨૬
આસો નવરાત્રિ પવિત્ર તહેવારની શરૂઆત થાય તે પૂર્વે જ પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આજે શુક્રવારે ભક્તોનું ભારે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. આસો નોરતાની પૂર્વસંધ્યાએ મા મહાકાળીના દર્શન કરવા અને માતાજીની પવિત્ર અખંડ જ્યોત ઘરે લઈ જવા માટે ગુજરાત જ નહીં, પરંતુ પડોશી રાજ્યોમાંથી પણ લાખોની સંખ્યામાં માઇભક્તો પાવાગઢના ધામે પહોંચી રહ્યા છે.નવરાત્રિની સ્થાપના પહેલા માતાજીની અખંડ જ્યોત પોતાના ઘરે લઈ જઈને પ્રગટાવવાની વર્ષો જૂની ધાર્મિક માન્યતા છે. આ પરંપરા નિભાવવા માટે મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા પડોશી રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ભક્તો પાવાગઢ આવ્યા છે. ભક્તો માતાજીની જ્યોત પોતાના વતન લઈ જઈને નવરાત્રિના પ્રથમ દિવસે સ્થાપિત કરશે. ડુંગરતળેટીથી લઈને માં મહાકાળીના ગર્ભગૃહ સુધી શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી રહી છે.જય મહાકાળી”ના જયઘોષથી સમગ્ર પાવાગઢ ડુંગર ગુંજી ઉઠ્યો છે. ભક્તોના ધસારાને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા સુરક્ષા તેમજ દર્શનની વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે.











