જામનગરના શરૂ સેક્શન રોડ પર ફરી દબાણ સામે મનપાની કાર્યવાહી

પથારાવાળાઓના દબાણ હટાવતાં ભારે ઘર્ષણ; છ પથારાવાળાઓનો માલસામાન જપ્ત કરી મનપા કચેરીએ જમા કરાયો
જામનગર
(નયના દવે દ્વારા)
જામનગર તા. ૯: જામનગર શહેરના શરૂ સેક્શન રોડ પર પથારાવાળાઓ દ્વારા ફરીથી રોડ અને ફૂટપાથ પર કરવામાં આવેલા દબાણ સામે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા તથા સિક્યુરિટી વિભાગની ટીમ દ્વારા આજે ફરી દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન કેટલાક પથારાવાળાઓએ વિરોધ કરતાં સ્થળ પર ભારે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી.
શરૂ સેક્શન રોડ પર કેટલાક પથારાવાળાઓએ રોડ અને ફૂટપાથ પર પોતાનો માલસામાન પાથરીને ફરીથી ધંધો શરૂ કરી દીધો હતો. જેને લઈને એસ્ટેટ શાખાની ટીમ તથા સિક્યુરિટી વિભાગના કર્મચારીઓ દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન દબાણ હેઠળ મૂકવામાં આવેલો માલસામાન કબજે કરવાની કાર્યવાહી કરવામાં આવતાં બે-ત્રણ પથારાવાળાઓના ધંધાર્થીઓએ ટીમનો વિરોધ કર્યો હતો.
ખાસ કરીને બે મહિલાઓએ પોતાનો કબજે કરાયેલો માલસામાન ટ્રેક્ટરમાંથી પરત મેળવવા માટે ભારે ધમાચકડી મચાવી હતી અને મહાનગરપાલિકાની મહિલા સિક્યુરિટી કર્મચારીઓ સાથે પણ ઘર્ષણ કર્યું હતું. જેના પગલે થોડા સમય માટે સ્થળ પર તંગદિલીભર્યું વાતાવરણ સર્જાયું હતું. જોકે, એસ્ટેટ શાખા અને સિક્યુરિટી વિભાગની ટીમે કોઈપણ પ્રકારના વિરોધ કે ઘર્ષણને વશ થયા વિના દબાણ હટાવવાની કાર્યવાહી ચાલુ રાખી હતી.
મનપાની ટીમ દ્વારા કાર્યવાહી દરમિયાન કુલ છ પથારાવાળાઓનો માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો અને જપ્ત કરાયેલો માલસામાન મહાનગરપાલિકાની કચેરી ખાતે લઈ જઈને જમા કરાવવામાં આવ્યો હતો.
શરૂ સેક્શન રોડ પર પથારાવાળાઓ દ્વારા ફરીથી દબાણ ન થાય અને અગાઉ હટાવાયેલા દબાણો ફરી ઉભા ન થાય તે માટે એસ્ટેટ શાખા દ્વારા બે ટ્રેક્ટર તથા જરૂરી સ્ટાફને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પણ શરૂ સેક્શન રોડ પર દબાણ સામેની કાર્યવાહી ચાલુ રાખવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.











