રિપોર્ટર

હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
ગાંધીનગર, ૨૩ ઑક્ટોબર ૨૦૨૬
ગુજરાત અને સ્કોટલેન્ડ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે ગાંધીનગરમાં મહત્ત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સ્કોટલેન્ડ સરકારના ફર્સ્ટ મિનિસ્ટર જોન સ્વિનીની ઉપસ્થિતિમાં થયેલા આ કરારનો હેતુ બંને પક્ષો વચ્ચે પરસ્પર મિત્રતા, આર્થિક સંબંધો, જ્ઞાનની આપ-લે અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. આ સમજૂતીથી વેપાર, રોકાણ, નવીનતા, રમતગમત, નવીનીકરણીય ઊર્જા, શિક્ષણ, કૌશલ્ય વિકાસ, સંશોધન અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન સહિતનાં ક્ષેત્રોમાં સહયોગની નવી તકો વિકસાવવાનો માર્ગ મોકળો થશે.
આ સમજૂતી અંતર્ગત ગુજરાત અને સ્કોટલેન્ડ વચ્ચે લોકોના પરસ્પર સંપર્કો વધારવા, આર્થિક સંબંધો વિકસાવવા તથા ટકાઉ અને સર્વસમાવેશક આર્થિક વિકાસને વેગ આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે. બંને પક્ષો વચ્ચે જ્ઞાન, અનુભવો અને શ્રેષ્ઠ પદ્ધતિઓની આપ-લે સાથે નવીનતા તથા ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે પણ સહયોગની સંભાવનાઓને આવરી લેવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં યોજાયેલી શુભેચ્છા મુલાકાત દરમિયાન સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર જોન સ્વિની અને તેમના પ્રતિનિધિમંડળની હાજરીમાં આ સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા. બંને પક્ષોએ કરારની આપ-લે કરીને પરસ્પર સહયોગ અને સંબંધોને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
ગુજરાત વર્ષ ૨૦૩૦માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવાની તૈયારી કરી રહ્યું છે, ત્યારે રમતગમત ક્ષેત્રે સ્કોટલેન્ડનો અનુભવ ગુજરાત માટે ઉપયોગી બની શકે છે. વર્ષ ૨૦૨૬ની કોમનવેલ્થ ગેમ્સ ગ્લાસગોમાં યોજાવાની પૃષ્ઠભૂમિમાં રમતગમતના આયોજન, વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાઓના વિકાસ અને ફિટનેસ સંસ્કૃતિને પ્રોત્સાહન જેવા વિષયો પર બંને પક્ષો વચ્ચે જ્ઞાનની આપ-લેની સંભાવનાઓ છે. આ સહયોગ ગુજરાતમાં રમતગમતની સુવિધાઓ અને સંબંધિત ક્ષેત્રોના વિકાસમાં મદદરૂપ બની શકે છે.
સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર જોન સ્વિનીએ જણાવ્યું હતું કે ગુજરાત અને સ્કોટલેન્ડ વચ્ચે થયેલી સમજૂતી સંસ્કૃતિ, રમતગમત, નવીનીકરણીય ઊર્જા અને જીવન વિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં નવી તકો ઊભી કરશે. તેમણે ખાસ કરીને ઓફશોર એનર્જી એટલે કે દરિયાઈ વિસ્તારમાંથી ઊર્જા મેળવવાના ક્ષેત્રમાં સ્કોટલેન્ડ પાસે રહેલી નિષ્ણાતતાનો લાભ ગુજરાતને મળે તે અંગે રસ દર્શાવ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે જણાવ્યું હતું કે ગુજરાત દેશનાં અગ્રણી નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રોમાંનું એક છે. રાજ્યનો વિશાળ દરિયાકિનારો ઓફશોર ઊર્જાના વિકાસ માટે નોંધપાત્ર સંભાવનાઓ ધરાવે છે. સ્કોટલેન્ડ આ ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે અનુભવ અને નિષ્ણાતતા ધરાવે છે, ત્યારે તેના અનુભવનો અભ્યાસ કરીને ગુજરાતમાં નવી તકો વિકસાવી શકાય છે. આ હેતુથી ગુજરાતનું પ્રતિનિધિમંડળ સ્કોટલેન્ડની મુલાકાતે જઈ ત્યાંની કાર્યપદ્ધતિ અને તકનીકી અનુભવનો અભ્યાસ કરે તેવો પ્રસ્તાવ પણ મુખ્યમંત્રીએ રજૂ કર્યો હતો.
આ સમજૂતી કરાર દ્વારા બંને પક્ષો વચ્ચે વેપાર અને રોકાણની તકો વધારવા, વ્યવસાયિક સંપર્કો મજબૂત કરવા અને પરસ્પર લાભદાયી ભાગીદારીનાં ક્ષેત્રો ઓળખવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. નવીનતા, ઉદ્યોગસાહસિકતા અને ટકાઉ વિકાસ માટે બંને પ્રદેશોની વિશિષ્ટ ક્ષમતાઓનો ઉપયોગ કરીને આર્થિક સહયોગને વધુ વ્યાપક બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસે સ્કોટલેન્ડના પ્રતિનિધિમંડળનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે ગુજરાત અને સ્કોટલેન્ડ વચ્ચે રમતગમત, નવીનીકરણીય ઊર્જા, આર્થિક ભાગીદારી અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન જેવા ક્ષેત્રોમાં સહયોગની વ્યાપક સંભાવનાઓ રહેલી છે. તેમણે સમજૂતી કરારમાં સમાવિષ્ટ વિવિધ મુદ્દાઓની વિગતો આપતાં જણાવ્યું હતું કે વધુ ટકાઉ અર્થતંત્ર તરફ આગળ વધવા માટે વ્યવસાયો, સંસ્થાઓ અને નિષ્ણાતો વચ્ચે જોડાણ મજબૂત કરવું જરૂરી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જ્ઞાન, અનુભવો અને શ્રેષ્ઠ પદ્ધતિઓની આપ-લે દ્વારા નવીનતા, કૌશલ્ય વિકાસ તથા વ્યાવસાયિક અને સંસ્થાકીય ભાગીદારીને પ્રોત્સાહન આપી શકાય છે. બંને પક્ષો વચ્ચે સંશોધન અને વિકાસ ક્ષેત્રે સહયોગ વધારવાથી નવી તકનીકો અને કાર્યપદ્ધતિઓના ઉપયોગ માટે પણ તકો ઊભી થઈ શકે છે.
શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે પણ આ સમજૂતી મહત્ત્વપૂર્ણ બની રહેશે. ગુજરાત અને સ્કોટલેન્ડની યુનિવર્સિટીઓ, કોલેજો તથા અન્ય શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે સંપર્કો વિકસાવવા, સંયુક્ત સંશોધનને પ્રોત્સાહન આપવા અને વિદ્યાર્થીઓ, સંશોધકો તથા શિક્ષકો વચ્ચે જ્ઞાનની આપ-લે વધારવા માટે સહયોગની તકો વિકસાવવામાં આવશે. આ ઉપરાંત કૌશલ્ય વિકાસ અને તાલીમ ક્ષેત્રે પરસ્પર અનુભવનો લાભ લઈને યુવાનો માટે નવી તકો ઊભી કરવાનો હેતુ પણ આ ભાગીદારી સાથે જોડાયેલો છે.
સાંસ્કૃતિક સહયોગના ભાગરૂપે બંને પ્રદેશોના સાંસ્કૃતિક વારસા, પરંપરાઓ અને સર્જનાત્મક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની બાબતનો પણ સમજૂતી કરારમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આવા પ્રયાસો દ્વારા ગુજરાત અને સ્કોટલેન્ડના લોકો વચ્ચે પરસ્પર સમજણ વધારવા તથા લાંબા ગાળાના સંબંધોને મજબૂત બનાવવાની તક મળશે.
ઉદ્યોગ વિભાગના કાર્યકારી અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનોએ આભારવિધિ કરતાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ સમજૂતીથી શિક્ષણ, કૌશલ્ય વિકાસ, રમતગમત અને ઊર્જા ક્ષેત્રોમાં પરસ્પર સંવાદ, વિશ્વાસ અને અર્થપૂર્ણ ભાગીદારીને વેગ મળશે.
આ બેઠકમાં મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, શહેરી વિકાસ અને શિક્ષણ વિભાગના અગ્ર સચિવો, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે તથા વિવિધ વિભાગોના વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત અને સ્કોટલેન્ડ વચ્ચે થયેલી આ સમજૂતી બંને પક્ષો માટે આર્થિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને તકનીકી સહયોગની નવી સંભાવનાઓ ઊભી કરે છે. ઊર્જા પરિવર્તન, રમતગમત, સંશોધન અને કૌશલ્ય વિકાસ જેવા ક્ષેત્રોમાં જ્ઞાન અને અનુભવની આપ-લે દ્વારા લાંબા ગાળાની ભાગીદારી વિકસાવવાની દિશામાં આ કરાર મહત્ત્વપૂર્ણ પગલું બની શકે છે.









