જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ કૃષિ શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ ક્ષેત્રે વધુ એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. National Agricultural Education Accreditation Board (NAEAB), Indian Council of Agricultural Research (ICAR), New Delhi દ્વારા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીને ‘A’ ગ્રેડ એનાયત કરવામાં આવ્યો છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી તેમજ યુનિવર્સિટી હેઠળ કાર્યરત વિવિધ મહાવિદ્યાલયો અને તેમના અભ્યાસક્રમોની માન્યતા મેળવવા માટે યુનિવર્સિટી દ્વારા NAEAB, ICAR, New Delhi સમક્ષ Self-Study Report (SSR) રજૂ કરવામાં આવ્યો હતો. રજૂ કરવામાં આવેલા SSRના મૂલ્યાંકન બાદ NAEAB, ICARની Peer Review Team દ્વારા તા. ૨૭ થી ૩૧જુલાઈ, ૨૦૨૬ દરમિયાન યુનિવર્સિટી કેમ્પસ, વિવિધ મહાવિદ્યાલયો, શૈક્ષણિક સુવિધાઓ, સંશોધન કેન્દ્રો સહિતની વિવિધ સુવિધાઓની પ્રત્યક્ષ મુલાકાત લઈ ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણીના આધારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીને ૪.૦૦માંથી ૩.૧૭નો સ્કોર પ્રાપ્ત થયો છે અને યુનિવર્સિટીને ‘A’ ગ્રેડની માન્યતા આપવામાં આવી છે. આ માન્યતા ૨૭ માર્ચ, ૨૦૩૧ સુધી અમલમાં રહેશે. યુનિવર્સિટીની શૈક્ષણિક ગુણવત્તા, સંશોધન કાર્ય, વિસ્તરણ પ્રવૃત્તિઓ, માળખાકીય સુવિધાઓ, વિવિધ વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓ તથા કૃષિ શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાને લઈ આ માન્યતા પ્રાપ્ત થઈ છે. આ સિદ્ધિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, અધ્યાપકો, વૈજ્ઞાનિકો, અધિકારીઓ, કર્મચારીઓ તથા સમગ્ર યુનિવર્સિટી પરિવારના નિષ્ઠાપૂર્વકના સંયુક્ત પ્રયાસોનું પરિણામ છે. ICARની આ માન્યતાથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની રાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠામાં વધુ વધારો થયો છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. વી. પી. ચોવટીયાએ આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ યુનિવર્સિટીના તમામ અધિકારીશ્રીઓ, વિવિધ મહાવિદ્યાલયોના આચાર્યશ્રીઓ, પ્રાધ્યાપકો, વૈજ્ઞાનિકો, કર્મચારીશ્રીઓ અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું છે કે, યુનિવર્સિટીને પ્રાપ્ત થયેલો ‘A’ ગ્રેડ ગુણવત્તાયુક્ત કૃષિ શિક્ષણ, ઉત્તમ સંશોધન અને ખેડૂતલક્ષી વિસ્તરણ પ્રવૃત્તિઓ પ્રત્યેની યુનિવર્સિટીની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. કૃષિ ક્ષેત્રના વિકાસ અને ખેડૂતોના કલ્યાણ માટે યુનિવર્સિટી ભવિષ્યમાં પણ વધુ શ્રેષ્ઠ કામગીરી કરવા પ્રતિબદ્ધ છે. આ સિદ્ધિથી યુનિવર્સિટીમાં ગુણવત્તાયુક્ત કૃષિ શિક્ષણ અને સંશોધનને વધુ વેગ મળશે તેમજ વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે નવી તકો ઉપલબ્ધ થશે. NAEAB-ICARની માન્યતા મેળવવા માટે ICARના ધારાધોરણો મુજબ પૂરતું મહેકમ તથા વિદ્યાર્થીઓ માટે જરૂરી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ હોવી અત્યંત જરૂરી છે. આ સંદર્ભે ગુજરાત સરકારશ્રી દ્વારા ગત વર્ષે શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા અંગે આપવામાં આવેલી મંજૂરી તેમજ વિદ્યાર્થીલક્ષી માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે આપવામાં આવેલા સહયોગ બદલ યુનિવર્સિટી દ્વારા મુખ્યમંત્રીશ્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રીશ્રી શ્રી હર્ષભાઈ સંઘવી, કૃષિ મંત્રીશ્રી શ્રી જીતુભાઈ વાઘાણી, રાજ્ય કક્ષાના કૃષિ મંત્રીશ્રી શ્રી રમેશભાઈ કટારા તથા કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગાંધીનગરનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ






