ખોપી સહિત 12 જેટલા ગામોના વન અધિકાર પ્રશ્ને પુનઃ વન અધિકાર સત્યાગ્રહની જાહેર સભા 2 ઓક્ટોબરે,

ખોપી, સાગબારા ખાતે બિનરાજકીય જાહેર સભાનું આયોજન; અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસીઓને ઉપસ્થિત રહેવા આહવાન,

વાત્સલ્યમ સમાચાર
પ્રતિનિધિ : જેસિંગ વસાવા
સાગબારા: ખોપી સહિત આસપાસના આશરે 12 જેટલા ગામોના જંગલ જમીન અને વન અધિકારના પ્રશ્નોને લઈને ફરી એકવાર વન અધિકાર સત્યાગ્રહને લઈને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધી જયંતિના પાવન દિવસે, 2 ઓક્ટોબરે ખોપી મુકામે બિનરાજકીય જાહેર સભા યોજાશે.
આ જાહેર સભામાં આદિવાસી ખેડૂતોના વન અધિકાર, જંગલ જમીન તથા લાંબા સમયથી પેન્ડિંગ રહેલા FRA દાવાઓ સહિતના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવશે. ખેડૂતોના વન અધિકારના દાવાઓનો કાયદેસર, પારદર્શક અને સમયસર નિકાલ કરવામાં આવે તેમજ ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવશે.
સાથે જ અગાઉ આ મુદ્દે થયેલા સમાધાન અને વહીવટી સ્તરે થયેલી ખાતરીઓનો અમલ કરવામાં આવે તે મુદ્દો પણ જાહેર સભામાં મુખ્ય રીતે ઉઠાવવામાં આવશે.
કાર્યક્રમમાં વિવિધ આગેવાનો, આદિવાસી ખેડૂતો, સામાજિક કાર્યકરો અને નાગરિક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહીને વન અધિકાર અને જંગલ જમીનના પ્રશ્નો અંગે ચર્ચા કરશે.
આ જાહેર સભા માટે અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી સમાજના લોકોને આહવાન કરવામાં આવ્યું છે. વન અધિકારના તમામ પેન્ડિંગ દાવાઓ તથા ખેડૂતોના હક્ક સંબંધિત પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે તેવી માંગ સાથે સરકાર સમક્ષ ફરી રજૂઆત કરવામાં આવશે.
ગાંધી જયંતિના દિવસે યોજાનારી આ જાહેર સભામાં આદિવાસી ખેડૂતોના વન અધિકારના પ્રશ્નોને કાયદેસર અને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માટે આગળની કાર્યવાહી અંગે ચર્ચા થવાની છે.










