તા.02/10/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


વીર નારીઓ, પૂર્વ સૈનિકો અને શહીદ પરિવારોનું સાદર બહુમાન કરી અપ્રતિમ દેશસેવાને બિરદાવાઈ

અમર શહીદ જવાનોની પાવન સ્મૃતિમાં બે મિનિટનું મૌન પાળી ભાવાંજલિ અર્પણ કરાઈ

સુરેન્દ્રનગર ખાતે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને ભવ્ય ‘સશસ્ત્ર દળ સન્માન કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું. રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ – ગુજરાત સરકાર, કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી – ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર – સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે અને જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, સુરેન્દ્રનગરના સહયોગથી ગાંધી હોસ્પિટલ પરિસરમાં આવેલ નર્સિંગ સ્કૂલ ઓડિટોરિયમ ખાતે આ ગૌરવપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, દેશની સરહદો પર અહર્નિશ જાગ્રત રહીને માતૃભૂમિની રક્ષા કરનારા આપણા સશસ્ત્ર દળના જવાનોનું ત્યાગ, શૌર્ય અને સમર્પણ અતુલનીય છે. પોતાના પરિવાર અને સુખ-ચેનનો ત્યાગ કરીને દેશવાસીઓને સુરક્ષાનું કવચ પૂરું પાડતા સૈનિકો તથા તેમના પરિવારો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી એ સમગ્ર સમાજની આદ્ય ફરજ છે. માતૃભૂમિની આન, બાન અને શાન માટે પોતાના પ્રાણનું બલિદાન આપનારા અમર શહીદોનો દેશ સદાઋણી રહેશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વીર નારીઓ અને પૂર્વ સૈનિકોનું સન્માન કરવું એ આપણા સૌ માટે ગૌરવની ક્ષણ છે. રાજ્ય સરકાર સૈનિક પરિવારો તથા પૂર્વ સૈનિકોના કલ્યાણ અને સુવિધાઓ માટે સર્વદા કટિબદ્ધ છે. કાર્યક્રમના પ્રારંભે શ્રોતાઓમાં દેશપ્રેમનો સંચાર કરતા દેશભક્તિના ગીતોનો સૂરમય કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો વિધિવત પ્રારંભ કરાયો હતો. માતૃભૂમિની રક્ષા કાજે પોતાના પ્રાણનું સર્વોચ્ચ બલિદાન આપનારા અમર શહીદ જવાનોની પાવન સ્મૃતિમાં રાષ્ટ્રગીત સાથે બે મિનિટનું મૌન પાળીને ગૌરવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી કર્નલ વિશાલ શર્મા (નિવૃત્ત) દ્વારા સ્વાગત પ્રવચન તથા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. પૂર્વ સૈનિક સુબેદાર મેજર / ઓનરરી કેપ્ટન એ. એન. જાડેજા તથા પૂર્વ સૈનિક વિપુલ દવે દ્વારા દેશની સરહદો પર સેવા અને વિવિધ યુદ્ધ/ઓપરેશન દરમિયાનના પોતાના શૌર્યપૂર્ણ અને પ્રેરણાદાયી અનુભવોની રોચક રજૂઆત કરવામાં આવી હતી. સમારોહ અંતર્ગત દેશ માટે શહાદત વહોરનાર ૦૧ વીર નારી વિવિધ યુદ્ધો અને ઓપરેશન્સ દરમિયાન અપ્રતિમ દેશસેવા આપનાર ૧૯ પૂર્વ સૈનિકો તેમજ દેશ માટે અમૂલ્ય યોગદાન આપનાર ૧૧ સ્વર્ગસ્થ સૈનિકોના ધર્મપત્નીઓનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાલ તથા પ્રતીક ચિહ્ન અર્પણ કરી સાદર બહુમાન કરવામાં આવ્યું હતું. આ ગૌરવપૂર્ણ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રંજનબેન ભુસડીયા સહિતના પદાધિકારીઓ, મદદનીશ પોલીસ અધિક્ષક વૈદિકા બિહાની, નિવૃત્ત કર્નલ વિશાલ શર્મા, જિલ્લા શિક્ષણ અધિકારી અરવિંદ ઓઝા તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલ સહિતના અધિકારીઓ, કર્મચારીઓ, પદાધિકારીઓ તેમજ આશરે ૧૫૦ જેટલા નિવૃત્ત ફૌજીઓ અને તેમના પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.










