વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – રાપર કચ્છ.
રાપર,તા-૨૧ સપ્ટેમ્બર : રાપર તાલુકાના ૨૪ વર્ષીય તેમિનાબેનને મળ્યું નવજીવન, લાખોના ખર્ચમાંથી મળી મુક્તિ
સરકારની આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) મુશ્કેલીના સમયમાં સામાન્ય પરિવારો માટે કેટલી મોટી રાહત બને છે, તેનું વધુ એક પ્રેરણાદાયક ઉદાહરણ કચ્છ જિલ્લાના રાપર તાલુકાના આડેસર ગામમાં જોવા મળ્યું છે. આ યોજના હેઠળ આડેસરના ૨૪ વર્ષીય ગૃહિણી તેમિનાબેન નરેજાની મગજની ગાંઠનું ખાનગી હોસ્પિટલમાં સંપૂર્ણપણે નિઃશુલ્ક ઓપરેશન થતા તેમને નવજીવન મળ્યું છે.
આ અંગે લાભાર્થી તેમિનાબેન નરેજાએ પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે, “મને વારંવાર મગજમાં અસહ્ય દુખાવો થતો હતો. તેથી મેં ખાનગી હોસ્પિટલમાં તપાસ કરાવી, જ્યાં નિદાનમાં મગજમાં ગાંઠ હોવાનું સામે આવ્યું હતું.” તેમણે વધુમાં જણાવ્યું કે, “તબીબોએ આ ગાંઠને દૂર કરવા માટે ઓપરેશન કરવું જરૂરી હોવાનું કહ્યું અને તે માટે લાખો રૂપિયાના ખર્ચનો અંદાજ આપ્યો. આટલો મોટો ખર્ચ સાંભળીને અમારો મધ્યમવર્ગીય પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો, કારણ કે અમારી પાસે એટલી બચત નહોતી. “આવા કપરા સમયે તેમને આયુષ્માન કાર્ડ વિશે જાણકારી મળી કે આ કાર્ડ દ્વારા એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર સારવાર મળી શકે છે.
તેમિનાબેને જણાવ્યું કે, “આયુષ્માન કાર્ડના માધ્યમથી મારું મગજની ગાંઠનું સફળ ઓપરેશન મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં એક પણ રૂપિયાના ખર્ચ વગર થઈ ગયું. આજે હું સંપૂર્ણ સ્વસ્થ છું અને ઘરના તમામ કામ કોઈપણ તકલીફ વગર કરી શકું છું.” તેમણે ભાવુક થતા જણાવ્યું હતું કે, “હું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો દિલથી આભાર વ્યક્ત કરું છું કે, અમારા જેવા ગરીબ મધ્યમવર્ગીય પરિવારો માટે આશીર્વાદરૂપ એવી આ યોજના અમલી કરી છે. આ યોજના અમારા માટે સાચા અર્થમાં સંજીવની બની છે.”












