દિવાળીના તહેવાર પૂર્વે વિજાપુર વોર્ડ નં. 5 માં ગટર સફાઈની કામગીરી હાથ ધરાઈ ગટરના બ્લોકેજ દૂર કરવા રોડનું ખોદકામ કરી ડ્રેનેજ મશીનથી સફાઈ કરાઈ, રહેવાસીઓને તહેવાર દરમિયાન મુશ્કેલી ન પડે તે માટે આગોતરું આયોજન


વાત્સલ્યમ સમાચાર સૈયદજી બુખારી વિજાપુર
દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને વિજાપુર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 5 ના વિવિધ વિસ્તારોમાં ગટરની સફાઈ અને બ્લોકેજ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગટરનું ગંદુ પાણી રસ્તાઓ પર ઉભરાઈને બહાર ન આવે અને દિવાળીના તહેવાર દરમિયાન સ્થાનિક રહેવાસીઓને કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે હેતુથી ગટરની ચેમ્બરોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન ગટરની ચેમ્બરોમાં લાંબા સમયથી જમા થયેલી ગંદકી અને બ્લોકેજ દૂર કરવા માટે રોડનું ખોદકામ કરી ડ્રેનેજ મશીનની મદદથી સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
દિવાળીના તહેવાર દરમિયાન નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ રજાઓ પર જવાના હોવાથી ગટર ઉભરાવાની સમસ્યા ઊભી ન થાય અને વિસ્તારના નાગરિકોને સ્વચ્છતા અંગે કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે આ કામગીરી તાત્કાલિક હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ગટર સફાઈની કામગીરી દરમિયાન નગરપાલિકાના કર્મચારીઓ તેમજ વોર્ડ નંબર ૫ના સ્થાનિક કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. તહેવાર પૂર્વે હાથ ધરાયેલી આ કામગીરીથી વિસ્તારના રહેવાસીઓને ગટર અને સ્વચ્છતા સંબંધિત સમસ્યાઓમાંથી રાહત મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.









