ફાઇનલ મેચમાં મેળવી ભવ્ય જીત; હવે નેશનલ કક્ષાએ ગુજરાતની ટીમમાં પાંચ ખેલાડીઓ રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે


વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગુજરાત સરકારના રમતગમત વિભાગ દ્વારા આયોજિત ૭૦મી શાળાકીય રમતોત્સવની રાજ્ય કક્ષાની સ્પર્ધા 70th School Games Federation of India (SGFI) અંતર્ગત અંડર-૧૪ ભાઈઓની ખો-ખો સ્પર્ધામાં ડાંગ જિલ્લાની બીલીઆંબા પ્રાથમિક શાળા પીએમ શ્રી ગુજરાત ની ટીમે અદભુત રમતનું પ્રદર્શન કરીને રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલી ૪૨ જેટલી ટીમો સામે વિજય મેળવીને શાળાના બાળ ખેલાડીઓએ રમતગમત ક્ષેત્રે ડાંગ જિલ્લાનું નામ સમગ્ર રાજ્યમાં મોખરે રાખ્યું છે. ટીમમાં પસંદગી પામેલ ખેલાડીઓ અખિલ દળવી, આયુષ પવાર, વિશ્વાશ મોકાશી, જેશન ગામીત, જયદિપ પવાર, જિગ્નેશ સહારે, રાહિલ ગામીત, હરીશ ગામીત, મેઘ ગામીત, નૈતિક ચૌધરી, હાર્દિક ગાવિત અને આયુષ ભોયે જેમણે,અનુક્રમે રાજકોટ શહેર, વાવ થરાદ, પાટણ, સુરત ગ્રામ્ય, અને ટૂર્નામેન્ટની રોમાંચક ફાઇનલ મેચમાં સુરત શહેરની ટીમને હરાવી પોતાની ચપળતા, શ્રેષ્ઠ વ્યુહરચના અને ડિફેન્સના જોરે વિરોધી ટીમને પછાડીને ચેમ્પિયનશિપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. મેદાન પર ખેલાડીઓની રસાકસીભરી લડત અને અદમ્ય ઉત્સાહ ઉપસ્થિત તમામ રમતપ્રેમીઓ માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
શાળાની આ ગૌરવશાળી સફળતા બદલ સંસ્થાના આચાર્યશ્રી, રમેશભાઇ કે. ગામીત તેમજ ખેલાડીઓને મેદાન પર તૈયાર કરનાર રમતગમત કોચ રસિકભાઇ બી. પટેલ અને રૂતિશભાઇ બરડે દ્વારા વિજેતા વિદ્યાર્થીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આચાર્યશ્રી રમેશભાઇ કે. ગામીત અને કોચ રસિકભાઇ પટેલે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, બાળકોની અવિરત મહેનત અને નિયમિત સવાર-સાંજની કડક પ્રેક્ટિસના કારણે જ આજે આપણી શાળા રાજ્ય કક્ષાએ ડંકો વગાડી શકી છે.” આ હોનહાર બાળ ખેલાડીઓ આગામી સમયમાં યોજાનારી રાષ્ટ્રીય શાળાકીય રમતોત્સવ (National School Games) માં ગુજરાતની સત્તાવાર ટીમમાં પસંદગી પામેલ ખેલાડીઓ રાષ્ટ્રીય ફલક પર રાજ્ય અને ડાંગ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા માટે મેદાને ઉતરશે.
આ સિદ્ધિ મેળવવા બદલ શાળા પરિવાર, વાલી મંડળ, સ્થાનિક ગ્રામજનો, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી વિજયભાઇ દેશમુખ, જિલ્લા રમત ગમત વિકાસઅધિકારી શ્રી અલકેશભાઇ પટેલ અને સમગ્ર ડાંગ જિલ્લાના રમતપ્રેમીઓએ વિજેતા બાળ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતાં.








