વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંઘ તથા ડાંગ-આહવા પોલીસ અધિક્ષક પૂજા યાદવ દ્વારા ડાંગ જિલ્લામાંથી ગુમ કે અપહરણ થયેલ વ્યક્તિઓને શોધી કાઢીને તેમના પરિવાર સાથે મેળવવા માટે ખાસ “ઓપરેશન મિલાપ” ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આહવા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કે.આર. ડિમરીના માર્ગદર્શન હેઠળ વઘઈ પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે. ગત તા. ૨૮/૦૯/૨૦૨૬ના રોજ જુના દાવદહાડ (તા. આહવા, જી. ડાંગ)ના રહીશ ઉર્મિલાબેન યોગેશભાઈ પવાર (ઉં.વ. ૩૫) ઘરેથી કોઈને કહ્યા વિના ક્યાંક નીકળી ગયા હતા. આ અંગે તેમના પતિ યોગેશભાઈ ઈશ્વરભાઈ પવારે તા. ૧૭/૧૦/૨૦૨૬ના રોજ વઘઈ પોલીસ સ્ટેશન ખાતે ગુમ થયાની જાહેરાત નોંધાવતા જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી વઘઈ પોલીસની ટીમે ટેકનિકલ તથા હ્યુમન સોર્સની મદદથી શોધખોળ હાથ ધરી હતી અને ગુમ થયેલ મહિલાને ડાંગ જિલ્લા વિસ્તારમાંથી સલામત રીતે શોધી કાઢી હતી. ત્યારબાદ મહિલાને વઘઈ પોલીસ સ્ટેશન લાવીને તેમનું યોગ્ય કાઉન્સલિંગ કરવામાં આવ્યું હતું અને તેમના પરિવારજનો સાથે સુખદ પુનઃમિલન કરાવવામાં આવ્યું હતુ.








