‘SABD’ બિઝનેસ નેટવર્કથી ગ્રામ્ય-શહેરી ઉદ્યોગોને જોડવાનો પ્રયાસ; ફેબ્રુઆરી-૨૦૨૭માં ભવ્ય બિઝનેસ સમિટ યોજાશે


વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
આદિવાસી સમાજના યુવા ઉદ્યોગ સાહસિકોને વ્યવસાયિક વિકાસ માટે એક મજબૂત મંચ પૂરું પાડવાના હેતુથી સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેર દ્વારા અડાજણ ખાતે ‘828 બિઝનેસ સમિટ’ અંતર્ગત બિઝનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલના માધ્યમથી આદિવાસી યુવાનો વચ્ચે વ્યવસાયિક સંપર્કો વધારવા, પરસ્પર સહયોગને પ્રોત્સાહન આપવા અને નવા બજારો તથા રોજગારની તકો ઊભી કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સેમિનારમાં ચર્ચા-વિચારણા બાદ ‘SABD’ (સમસ્ત આદિવાસી બિઝનેસ ડેવલપમેન્ટ) અંતર્ગત બિઝનેસ નેટવર્કને વધુ મજબૂત બનાવવા બિઝનેસ ડાયરી તૈયાર કરવાની પહેલ કરવામાં આવી હતી. આ ડાયરીમાં વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા યુવા ઉદ્યોગ સાહસિકોના વ્યવસાય, સંપર્ક વિગતો અને કાર્યક્ષેત્રની માહિતીનો સમાવેશ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. તેના દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં કાર્યરત વેપારીઓ અને ઉદ્યોગકારો એકબીજા સાથે જોડાઈ શકે અને વ્યવસાયિક તકોનો લાભ મેળવી શકે તેવો ઉદ્દેશ્ય છે.આ પહેલ હેઠળ અંદાજે ૫૦ જેટલા બિઝનેસ સાથે સંકળાયેલા યુવાનોને એક નેટવર્કમાં જોડીને વ્યવસાયના વિસ્તરણ માટે નવી તકો ઊભી કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. વિવિધ પ્રોડક્ટ્સ, એપ્લિકેશન ડેવલપમેન્ટ, સોફ્ટવેર ડેવલપમેન્ટ સહિતનાં ક્ષેત્રોમાં કાર્યરત યુવાનો સાથે વ્યવસાયિક સંકલન અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ સખી મંડળોને પણ આ બિઝનેસ નેટવર્ક સાથે જોડીને તેમના ઉત્પાદનો અને વ્યવસાયને વધુ વ્યાપક બજાર સુધી પહોંચાડવાની દિશામાં વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.
આદિવાસી વિસ્તારોમાં કાર્યરત નાના અને લઘુ ઉદ્યોગોને મોટા ઉદ્યોગો સાથે જોડવા, સ્થાનિક ઉત્પાદનોને નવા બજારો ઉપલબ્ધ કરાવવા અને યુવા ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન તથા વ્યવસાયિક સહયોગ પૂરાં પાડવા આ નેટવર્ક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારો વચ્ચે વ્યવસાયિક જોડાણ વધે તથા સ્થાનિક સ્તરે રોજગાર અને આર્થિક વિકાસની નવી તકો ઊભી થાય તે દિશામાં આ પહેલને આગળ વધારવાનું આયોજન છે.આગામી ફેબ્રુઆરી-૨૦૨૭માં સુરત ખાતે વધુ મોટા પાયે બિઝનેસ સમિટ યોજવાની દિશામાં પણ ચર્ચા કરવામાં આવી હતી. આ સમિટને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બિઝનેસ નેટવર્ક સાથે જોડીને આદિવાસી યુવા ઉદ્યોગ સાહસિકો માટે ગુજરાત ઉપરાંત દેશ-વિદેશમાં વ્યવસાયિક તકો ઊભી કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. કાર્યક્રમના સંદર્ભમાં યુકો બેંક દ્વારા પણ વ્યવસાય માટે નાણાકીય સહાય પૂરી પાડવાની દિશામાં તૈયારી દર્શાવવામાં આવી હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું. આ સેમિનારમાં નવસારી, વાંસદા, ડાંગ, ચીખલી, માંડવી, વ્યારા અને ધરમપુર સહિત ગુજરાતના વિવિધ આદિવાસી વિસ્તારોમાંથી વ્યવસાય, વેપાર અને નાના-મોટા ઉદ્યોગો સાથે સંકળાયેલા યુવાનો જોડાયા હતા. વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત યુવાનોને એક મંચ પર લાવી સંયુક્ત આદિવાસી બિઝનેસ નેટવર્ક ઊભું કરવાની દિશામાં આ આયોજનને મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહ્યું છે.
આગામી આયોજનને સફળ બનાવવા માટે વ્યવસાય સાથે સંકળાયેલા યુવાનોને એપ્લિકેશન મારફતે રજિસ્ટ્રેશન કરીને નેટવર્ક સાથે જોડાવા અપીલ કરવામાં આવી હતી. વધુમાં વધુ યુવાનો અને ઉદ્યોગ સાહસિકો આ પહેલમાં સહભાગી બની આદિવાસી સમાજના આર્થિક અને વ્યવસાયિક વિકાસમાં યોગદાન આપે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેરના અધ્યક્ષ કાંતિભાઈ કુન્બી, એમ.બી. માહલા અને રમણભાઈ નાયકાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના યુવા ઉદ્યોગ સાહસિકોને સંગઠિત કરી વ્યવસાયિક સહયોગનું મજબૂત માળખું ઊભું કરવાની દિશામાં પ્રયાસ કરવામાં આવ્યો હતો. ‘SABD’ બિઝનેસ નેટવર્કની આ પહેલ આગામી સમયમાં આદિવાસી યુવાનોને નવી વ્યવસાયિક તકો સાથે જોડવામાં ઉપયોગી બની રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.








