તા.22/10/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


ખાડાઓ અને ટ્રાફિક જામની પટલાઈમાંથી વાહનચાલકોને મળશે મુક્તિ | અમદાવાદ- સૌરાષ્ટ્ર કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે, સુરેન્દ્રનગર: ચોમાસાની વિદાયની સાથે જ સુરેન્દ્રનગર અને વિરમગામ પંથકના વાહનચાલકો માટે રાહતના સમાચાર આવ્યા છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિરમગામથી વઢવાણ વચ્ચેના મહત્ત્વપૂર્ણ ફોરલેન માર્ગનું અટકેલું કામ ફરી એકવાર પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ફોરલેન પ્રોજેક્ટ પૂર્ણ થતાં જ વિરમગામ, વઢવાણ અને સુરેન્દ્રનગરના હજારો વાહન ચાલકોનો મુસાફરી સમય ઘટશે અને રસ્તો વધુ સુગમ બનશે. ચોમાસા દરમિયાન રસ્તાની ગુણવત્તા જળવાય અને વાહન વ્યવહાર ન થાય તે માટે માર્ગ અને મકાન પેટા વિભાગ, વિરમગામ દ્વારા નિર્માણકાર્ય કામચલાઉ ધોરણે અટકાવવામાં આવ્યું હતું. હવે વાતાવરણ સાનુકૂળ થતાં જ ઈજનેરો અને માર્ગ પ્રશાસનની ટીમે સ્થળ પર હાજર રહીને ડામર પાથરવાનું કામ તેજ બનાવ્યું છે. રોડની ટકાઉપણા માટે આધુનિક પેવર મશીનો અને ગુણવત્તાયુક્ત મટીરીયલનો ઉપયોગ કરાઈ રહ્યો છે. આ માર્ગ માત્ર બે શહેરોને જોડતો નથી, પરંતુ અમદાવાદ અને સૌરાષ્ટ્ર વચ્ચેના વાહનવ્યવહાર માટે એક મહત્ત્વની કડી છે. રોજિંદા અપ-ડાઉન કરતા મુસાફરો અને સ્થાનિક નાગરિકોની લાંબા સમયની માગને ધ્યાને રાખી તંત્ર દ્વારા નિર્ધારિત સમયમર્યાદામાં ડામરકામ અને ફિનિશિંગ પૂરું કરી રસ્તો ખુલ્લો મુકવાનો લક્ષ્યાંક રખાયો છે. વાહન ચાલકોને થનારા મુખ્ય લાભો જેમાં ફોરલેન માર્ગ બનવાથી વાહનોની ગતિ જળવાશે, જેનાથી મુસાફરીનો સમય ઘટશે અને પેટ્રોલ-ડીઝલની બચત થશે. સ્પષ્ટ માર્કિંગ અને પહોળા રસ્તાના કારણે માર્ગ અકસ્માતોનું જોખમ ઘટશે અને મુસાફરી વધુ સુરક્ષિત બનશે. માલસામાનની ઝડપી હેરફેર શક્ય બનતાં સ્થાનિક વેપાર, ઉદ્યોગો અને ખેડૂતોને આર્થિક ફાયદો થશે.









