રિપોર્ટર . કાદિર દાઢી.હાલોલ

તા. ૨૨.૧૦.૨૦૨૬
પંચમહાલ જિલ્લાના હાલોલ બાયપાસ રોડ પરથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. કણજરી ચોકડી નજીક આજે ગુરુવારે સવારે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં સ્કૂટર પર સ્કૂલે જઈ રહેલાં એક મહિલા શિક્ષિકાનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.મળતી માહિતી મુજબ, કણજરી ગામની અક્ષર ગ્રીન સોસાયટીમાં રહેતાં નિમિષાબેન નિકુંજકુમાર પટેલ હાલોલ બાયપાસ રોડ પર આવેલી નાલંદા સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં હતાં. રોજની જેમ આજે સવારે પણ તેઓ પોતાના સ્કૂટર પર ઘરેથી સ્કૂલે જવા નીકળ્યાં હતાં. દરમિયાન કણજરી ચોકડી નજીક આ કાળમુખો અકસ્માત સર્જાયો હતો.જાણાવા મળી રહ્યું છે કે, સફારી કંપનીમાંથી માલ ભરી અન્ય પ્લાન્ટ તરફ જઈ રહેલું કન્ટેનર સ્પીડ બ્રેકર પરથી પસાર થઈ થોડે જ આગળ વધ્યું હતું, ત્યારે જ સ્કૂટરચાલક શિક્ષિકા સાથે આ અકસ્માત સર્જાયો હતો. જોકે, આ દુર્ઘટના કયા સંજોગોમાં આકાર પામી તેની ચોક્કસ વિગતો પોલીસ તપાસ બાદ જ સામે આવશે..અકસ્માતની જાણ થતાં જ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને નિમિષાબેનને સારવાર અર્થે હાલોલ સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. જોકે, ત્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યાં હતાં. શિક્ષિકાના આકસ્મિક મોતથી તેમના પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે અને શોકનું મોજું ફરી વળ્યું છેબીજી તરફ, અકસ્માત બાદ હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રોષે ભરાયેલા સ્થાનિકોના ટોળાએ કન્ટેનરના કાચ તોડી નુકસાન પહોંચાડ્યું હોવાના સમાચાર પણ સાંપડ્યા છે. ઘટનાની ગંભીરતા જોઈ પોલીસ કાફલો તુરંત સ્થળ પર દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.અકસ્માત સર્જાયા બાદ કન્ટેનરચાલકે વાહન સાઇડમાં ઊભું રાખી સ્વયં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે અકસ્માતના ચોક્કસ કારણો જાણવા અને કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે.









