છોટાઉદેપુર નગરપાલિકામાં નવા પ્રમુખ ડૉ. રજનીબેન રાઠવાની વરણી બાદ રાજકીય હલચલ તેજ બની છે. નગરપાલિકાના 17 જેટલા ચૂંટાયેલા સભ્યોએ ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરીને બહુમતી સભ્યોની પૂર્વ મંજૂરી વિના વિકાસનાં કામોનાં બિલોની ચૂકવણી, નવી ભરતી કે કર્મચારીઓને છૂટા કરવા સહિતના નિર્ણયો ન લેવા માંગ કરી છે. રજૂઆતમાં મ્યુનિસિપલ અધિનિયમની કલમ 51 અને તેની પેટા કલમોનો ઉલ્લેખ કરીને નગરપાલિકાના વહીવટી કામકાજમાં બહુમતી સભ્યોને વિશ્વાસમાં લેવા તેમજ સરકાર તરફથી મળતી વિવિધ ગ્રાન્ટ અને તેના સંબંધિત આદેશોની માહિતી તાત્કાલિક પૂરી પાડવાની માંગ કરવામાં આવી છે. જોકે કર્મચારીઓના પગાર, પેટ્રોલ-ડીઝલ, વોટરવર્ક્સ, કન્ઝર્વન્સી અને સ્ટ્રીટલાઇટ જેવી આવશ્યક સેવાઓને લગતાં બિલોની ચૂકવણી માટે સભ્યોએ સંમતિ દર્શાવી છે, પરંતુ તેની વિગતો પણ બહુમતી સભ્યોને તાત્કાલિક આપવાની માગ કરી છે. સાથે જ, રજૂઆતમાં કરવામાં આવેલી સૂચનાઓનું પાલન નહીં થાય તો નગરપાલિકાનાં વિકાસનાં કામો અને ત્રિમાસિક હિસાબોને મંજૂરી નહીં આપવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ પત્ર પર ઉપપ્રમુખ પરવેઝ મુસ્તફાઅલી મકરાણી, કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહ સહિતના સભ્યોની સહીઓ હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ, નગરપાલિકાનાં નવા પ્રમુખ ડૉ. રજનીબેન રાઠવાએ નગરપાલિકામાં કોઈ જૂથવાદ ન હોવાનો દાવો કરતાં જણાવ્યું હતું કે તમામ 28 સભ્યોએ તેમને બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટ્યાં છે અને તમામ સભ્યો તેમની સાથે છે. જોકે, પ્રમુખની વરણી બાદ 17 સભ્યોની સહી સાથે ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવતાં છોટાઉદેપુર નગરપાલિકામાં ભાજપના આંતરિક જૂથવાદની ચર્ચાઓએ જોર પકડ્યું છે. હવે આ રજૂઆત બાદ નગરપાલિકાના વહીવટમાં શું સ્થિતિ સર્જાય છે તે જોવું રહ્યું.

રિપોર્ટર તોસીફ ખત્રી








