કાલાવડમાંથી ૨૬ વર્ષીય ભાયાભાઈ માલાણી નામનો યુવાન એકાએક ગુમ થયો

ચાર દિવસથી ઘરે પરત ન ફરતાં પત્નીએ પોલીસમાં નોંધાવી જાણવાજોગ ફરિયાદ
જામનગર
(નયના દવે દ્વારા)
કાલાવડ તા ૨૨, જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનની શીતલા કોલોનીમાં રહેતા ૨૬ વર્ષીય ભાયાભાઈ પોલાભાઈ માલાણી (ગઢવી) તા. ૧૭ ઓક્ટોબરના રોજ સવારના આશરે આઠ વાગ્યાના અરસામાં ઘરેથી કોઈને કંઈપણ કહ્યા વગર નીકળી ગયા બાદ પરત ન ફરતાં તેમની પત્નીએ કાલાવડ ટાઉન પોલીસ મથકમાં જાણવાજોગ નોંધ કરાવી છે.
પોલીસમાં જાહેર કરાયેલી વિગતો મુજબ, શીતલા કોલોની, કાલાવડ ખાતે રહેતા ભાયાભાઈ માલાણી માલઢોરનો વ્યવસાય કરે છે. તેઓ તા. ૧૭ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સવારના આઠ વાગ્યાના અરસામાં ઘરેથી નીકળી ગયા હતા. ત્યારબાદ પરિવારજનો દ્વારા શોધખોળ કરવા છતાં તેઓનો પત્તો લાગ્યો ન હતો.
ગુમ થનાર ભાયાભાઈ માલાણીની ઉંમર ૨૬ વર્ષ, વર્ણ શ્યામ, ઊંચાઈ આશરે પાંચ ફૂટ ચાર ઇંચ છે. ઘરેથી નીકળ્યા ત્યારે તેમણે બદામી રંગનો શર્ટ અને કબૂતરી રંગનું પેન્ટ પહેર્યું હતું.
આ અંગે તેમની પત્ની લક્ષ્મીબેન ભાયાભાઈ માલાણીએ કાલાવડ ટાઉન પોલીસ મથકમાં તા. ૨૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ જાણવાજોગ ગુમ નોંધ કરાવી છે. ગુમ થયેલા ભાયાભાઈ અંગે કોઈને જાણકારી મળે તો નજીકના પોલીસ મથકનો સંપર્ક કરી પરિવારને મદદરૂપ થવા અપીલ કરવામાં આવી છે.











