વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં કરોડોના ખર્ચે માર્ગ પહોળો કરવાની કામગીરીમાં પાઈપલાઈન અવરોધરૂપ બનશે તો જવાબદાર કોણ?ચોમાસાના વરસાદી પાણીના નિકાલ સામે સવાલો; કામની મંજૂરી આપનાર તંત્ર અને ઇજારદારની કામગીરીની તપાસ જરૂરી બની છે.ડાંગ જિલ્લામાં ગલકુંડ–આહવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર માર્ગની બાજુમાં પાણીની લાઈન નાખવાની કામગીરીને લઈને આયોજન સામે અનેક સવાલો ઊભા થયા છે. માર્ગની સમાંતર ખોદકામ કરી પાઈપલાઈન નાખવામાં આવી રહી છે, ત્યારે ભવિષ્યમાં આ જ માર્ગને પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવે તો આ પાઈપલાઈન અવરોધરૂપ બનશે કે કેમ, તે અંગે ગંભીર પ્રશ્ન ઊભો થયો છે. કરોડો રૂપિયાના વિકાસકામોમાં લાંબા ગાળાનું આયોજન કરવામાં આવે છે કે પછી એક જ વિસ્તારમાં વારંવાર ખોદકામ અને ખર્ચ કરવાની નોબત આવે છે, તે તપાસનો વિષય બન્યો છે.રાષ્ટ્રીય ધોરીમાર્ગની બાજુમાં પાઈપલાઈન નાખવાની કામગીરી દરમિયાન વરસાદી પાણીના કુદરતી વહેણ અને નિકાલની વ્યવસ્થાને પૂરતું ધ્યાન આપવામાં આવ્યું છે કે કેમ, તે પણ મહત્ત્વનો પ્રશ્ન છે. ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થાય અને પાણી માર્ગ પર ફરી વળે તો વાહનચાલકોની મુશ્કેલી વધવાની સાથે માર્ગને નુકસાન થવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી.સ્થળ પર ચાલી રહેલી કામગીરીમાં ખોદકામ અને પાઈપલાઈનની ગોઠવણી જોઈને સવાલ થાય છે કે વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા મંજૂર નકશા અને ટેકનિકલ માપદંડો અનુસાર કરવામાં આવી છે કે નહીં? માત્ર પાઈપ નાખીને કામગીરી પૂર્ણ થયાનું પ્રમાણપત્ર આપી દેવામાં આવશે કે સ્થળ પરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુણવત્તા અને ઉપયોગિતાની ચકાસણી પણ થશે?જો ભવિષ્યમાં ગલકુંડ–આહવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવે અને હાલ નાખવામાં આવતી પાઈપલાઈન રસ્તાની પહોળાઈ, સાઈડ ડ્રેનેજ અથવા અન્ય બાંધકામમાં અવરોધરૂપ બને, તો પાઈપલાઈન ખસેડવાનો વધારાનો ખર્ચ ઊભો થઈ શકે છે. આવી સ્થિતિ સર્જાય તો જાહેર નાણાંનો બિનજરૂરી બોજ આખરે સરકારી તિજોરી પર જ પડશે.તેથી કામ શરૂ કરતાં પહેલાં માર્ગના ભવિષ્યના વિસ્તરણ, વરસાદી પાણીના નિકાલ, પાઈપલાઈનની ઊંડાઈ અને તેની યોગ્ય જગ્યાનું સંકલિત આયોજન કરવામાં આવ્યું છે કે નહીં, તેની સ્પષ્ટતા થવી જરૂરી છે. વિકાસકામમાં માત્ર આજની જરૂરિયાત નહીં, પરંતુ આગામી વર્ષોની જરૂરિયાતને ધ્યાનમાં રાખવી પણ એટલી જ આવશ્યક છે.આ કામગીરી માટે મંજૂર નકશો કોણે તૈયાર કર્યો? ટેકનિકલ મંજૂરી આપતી વખતે માર્ગ પહોળો કરવાની સંભાવનાનો વિચાર કરવામાં આવ્યો હતો કે કેમ? સ્થળ પર કામની દેખરેખ રાખતા અધિકારીઓએ પાઈપલાઈનની ગોઠવણી અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાની ચકાસણી કરી છે? જો ભવિષ્યમાં આ કામના કારણે માર્ગને નુકસાન થાય અથવા પાઈપલાઈન ખસેડવાની જરૂર પડે, તો તેની જવાબદારી કોની રહેશે?આવા સવાલો વચ્ચે સંબંધિત માર્ગ વિભાગ અને પાણી પુરવઠા વિભાગે સંકલન સાથે સ્થળ તપાસ કરવી જરૂરી છે. ઇજારદાર દ્વારા કરવામાં આવતી કામગીરી મંજૂર ટેકનિકલ માપદંડો મુજબ છે કે નહીં, તેની તપાસ કરી જરૂરી સુધારા સમયસર કરાવવા જોઈએ.હવે જોવાનું એ છે કે જવાબદાર તંત્ર સમયસર તકેદારી રાખીને જાહેર નાણા અને માર્ગની સુરક્ષા જાળવે છે કે પછી ભવિષ્યમાં ખોદકામ, સમારકામ અને વધારાના ખર્ચ બાદ જ જવાબદારી નક્કી કરવાની ઔપચારિકતા પૂરી થશે તે જોવું જ રહ્યુ.?










