
7મી પેરા સ્ટેટ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ધર્મની ગોલ્ડ મેડલ હેટ્રિક

ત્રણેય સ્પર્ધામાં સુવર્ણ સફળતા મેળવી ધર્મ જીગરભાઈ સગરે સાબરકાંઠાનું ગૌરવ વધાર્યું
અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે તા. ૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા 7th પેરા સ્ટેટ સ્વિમિંગ ચેમ્પિયનશિપ–2026નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના પ્રતાપગઢ ગામના ધર્મ જીગરભાઈ સગરે સબ-જુનિયર/જુનિયર કેટેગરીની S8 કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.
ધર્મે 50 મીટર બેકસ્ટ્રોક, 100 મીટર બેકસ્ટ્રોક અને 100 મીટર ફ્રીસ્ટાઇલ એમ ત્રણેય સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી ગોલ્ડ મેડલની હેટ્રિક નોંધાવી છે.
ધર્મ જવાહર નવોદય વિદ્યાલય, વીરપુર, સાબરકાંઠામાં અભ્યાસ કરે છે. તે હિંમતનગર સ્થિત સાબર સ્ટેડિયમ, ભોલેશ્વર ખાતે કોચ શ્રી હેમલ વર્ધાણીના માર્ગદર્શન હેઠળ સ્વિમિંગની નિયમિત તાલીમ મેળવી રહ્યો છે. કોચના માર્ગદર્શન અને ધર્મની મહેનતના પરિણામે તેણે આ સફળતા હાંસલ કરી છે.
ધર્મની આ સિદ્ધિ બદલ શ્રી યુવા વિકલાંગ સંગઠન મંડળના પ્રમુખ શ્રી અતુલભાઈ પરમાર સહિત પરિવારજનો, શિક્ષકો, કોચ અને રમતપ્રેમીઓએ શુભેચ્છાઓ પાઠવી છે.
અત્રે ઉલ્લેખનીય છેકે અગાઉ પણ ધર્મ 26 જુનિયર અને સબ જુનિયર નેશનલ પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપ 2026 બેંગ્લોર કર્ણાટકમાં ગોલ્ડ મેડલ જીતી ગુજરાત અને સાબરકાંઠા જિલ્લા નું ગૌરવ વધાર્યું હતું.
ધર્મે ત્રણ ગોલ્ડ મેડલ મેળવી પોતાના ગામ પ્રતાપગઢ, ઈડર તાલુકા, સાબરકાંઠા જિલ્લા તેમજ જવાહર નવોદય વિદ્યાલયનું નામ ગૌરવભેર રોશન કર્યું છે.
જયંતિ પરમાર સાબરકાંઠા










