ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ અને વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોષીએ નવી દિલ્હીમાં યોજાયેલા 21મા ફિક્કી હાયર એજ્યુકેશન સમિટ 2026 દરમિયાન લોકશાહી, ચૂંટણી પંચ, વિદ્યાર્થીઓના આંદોલન અને નવી શિક્ષણ નીતિ અંગે ખુલીને વાત કરી છે. તેમણે જણાવ્યું કે સાચી લોકશાહી ટકાવી રાખવા માટે ચૂંટણીઓ નિષ્પક્ષ રીતે યોજાવી ખૂબ જ અનિવાર્ય છે.

ચૂંટણી પંચની કામગીરી અને વિપક્ષ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ અંગે વાત કરતાં મુરલી મનોહર જોષીએ કહ્યું કે, ‘લોકશાહીની સફળતા માટે નિષ્પક્ષ ચૂંટણીઓ, જવાબદાર સરકારો અને પારદર્શક વહીવટી તંત્ર હોવું જરૂરી છે. જો લોકશાહીમાં ક્યાંય પણ બંધારણનો ઉલ્લંઘન થતો હોય, તો સુપ્રીમ કોર્ટે તેમાં દખલ કરવી જોઈએ.’
દેશભરમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો વિશે વાત કરતાં પૂર્વ શિક્ષણ મંત્રીએ કડક શબ્દોમાં કહ્યું કે, ‘સરકાર કે પ્રશાસને બળપ્રયોગ કે લાઠીચાર્જ કરવાને બદલે વિદ્યાર્થીઓની વ્યાજબી માંગણીઓ ખૂબ જ સંવેદનશીલતાથી સાંભળવી જોઈએ. લાઠીચાર્જથી ક્યારેય કોઈ સમસ્યા ઉકેલાતી નથી, કારણ કે આ આંદોલન કરનારા વિદ્યાર્થીઓ આપણા પોતાના જ સંતાનો છે.’
નવી શિક્ષણ નીતિ વિશે પૂછવામાં આવતાં મુરલી મનોહર જોષી કહ્યું કે, ‘હજુ આ નીતિને લાગુ થયાને વધુ સમય થયો નથી, તેથી તેના સંપૂર્ણ પરિણામોનું આકલન કરવું હાલ વહેલું ગણાશે. આ માત્ર શરૂઆત છે અને તેના સાચા પરિણામો સમય જતાં જ સામે આવશે.’











