વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

મલ્ટીપલ સ્ક્લેરોસિસ (Multiple Sclerosis–MS) જેવી ગંભીર, લાંબા ગાળાની અને અત્યંત ખર્ચાળ ન્યુરોલોજીકલ બીમારીથી પીડાતા ગરીબ, મધ્યમવર્ગીય તથા આદિવાસી દર્દીઓની મુશ્કેલીને ધ્યાનમાં રાખી સમસ્ત આદિવાસી સમાજના યુવાઆગેવાન અને જાણીતા ગોલ્ડ મેડલિસ્ટ જનરલ સર્જન ડો. નિરવ પટેલે ગુજરાત સરકારના મુખ્યમંત્રીશ્રી તથા આરોગ્ય સચિવશ્રી સમક્ષ મહત્વપૂર્ણ રજૂઆત કરી છે.
ડો. પટેલે જણાવ્યું કે MSના દર્દીઓને લાંબા સમય સુધી આધુનિક તબીબી સારવાર, Disease-Modifying Therapies (DMTs), નિયમિત તપાસ અને મોંઘી દવાઓ તથા ઇન્જેક્શનની જરૂરિયાત રહે છે. સારવારનો વાર્ષિક ખર્ચ લાખો રૂપિયામાં પહોંચતો હોવાથી ગરીબ અને ખાસ કરીને અંતરિયાળ આદિવાસી પરિવારો માટે આ ખર્ચ સહન કરવો અત્યંત મુશ્કેલ બને છે.
આર્થિક સંકડામણને કારણે દર્દીની સારવાર અધવચ્ચે અટકી જાય તો તેની તબિયત અને જીવન પર ગંભીર અસર થઈ શકે છે. આથી પૈસાના અભાવે એકપણ દર્દીની સારવાર બંધ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા કાયમી અને વિશેષ વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરવામાં આવી છે.
PM-JAY હેઠળ વિશેષ પેકેજની માંગ
ડો. નિરવ પટેલે રજૂઆતમાં MSના પાત્ર દર્દીઓ માટે રાજ્ય સરકાર દ્વારા કાયમી “Special Treatment Package” બનાવવાની માંગ કરી છે, જેમાં જરૂરી દવાઓ, તપાસ, ન્યુરોલોજી સારવાર અને ફોલોઅપ સારવાર કેશલેસ ઉપલબ્ધ કરાવવામાં આવે.
સાથે જ PM-JAY હેઠળ સામાન્ય પેકેજની મર્યાદા પૂરતી ન હોય તેવા MS જેવા ઊંચા ખર્ચવાળા રોગો માટે “Special High-Cost Treatment Limit” અથવા “Annual Top-up” જેવી વ્યવસ્થા કરવાની માંગ પણ કરવામાં આવી છે.
વારંવાર મંજૂરીની પ્રક્રિયામાંથી દર્દીઓને મુક્તિ મળે
રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે એકવાર દર્દીની સારવાર મંજૂર થયા બાદ દરેક વખતે નવી મંજૂરી મેળવવાની જટિલ પ્રક્રિયા ન રહે અને દર્દીને સરળતાથી નિયમિત ફોલોઅપ અને સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવી જરૂરી છે.
આદિવાસી વિસ્તારોમાં Neurology Referral System ઊભું કરવાની માંગ
દક્ષિણ ગુજરાત સહિતના આદિવાસી બહુલ જિલ્લાઓના દર્દીઓને સારવાર માટે વારંવાર મોટા શહેરોમાં ધક્કા ન ખાવા પડે તે માટે જિલ્લા કક્ષાએ તેમજ મેડિકલ કોલેજ સ્તરે “Neurology Referral & Follow-up System” ઊભું કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે.
ગુજરાતમાં MS દર્દીઓ માટે સત્તાવાર રજિસ્ટ્રીની માંગ
ગુજરાતમાં MSથી પીડાતા દર્દીઓની વાસ્તવિક સંખ્યા અને તેમની સારવારની જરૂરિયાતનો સચોટ અંદાજ મેળવવા માટે રાજ્ય સ્તરે અધિકૃત “MS Patient Registry” અને ડેટાબેઝ તૈયાર કરવાની માંગ કરવામાં આવી છે.
ડો. નિરવ પટેલે સરકાર સમક્ષ આશા વ્યક્ત કરી છે કે MS જેવી ગંભીર અને ખર્ચાળ બીમારી સામે ગરીબ, મધ્યમવર્ગીય અને આદિવાસી પરિવારોને આર્થિક સુરક્ષા મળે તથા “પૈસાના અભાવે સારવાર બંધ” જેવી સ્થિતિનો અંત આવે તે દિશામાં ગુજરાત સરકાર સંવેદનશીલ અને કાયમી નિર્ણય લેશે.








