રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૨.૧૦.૨૦૨૬
હાલોલ-વડોદરા હાઈવે પર આવેલ રામપુરા ગામ નજીક સર્જાયેલા એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં જીતપુરા ગામના 35 વર્ષીય યુવકનું કરૂણ મોત નિપજ્યું છે. આ બનાવથી મૃતકના પરિવાર સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ, જીતપુરા ગામના નિશાળ ફળિયામાં રહેતા મુકેશભાઈ રમેશભાઈ પરમાર તા.21 ઓક્ટોબર બુધવારે સાંજે કંપનીમાં ફરજ પૂરી કરીને પોતાના સાથી પ્રવીણસિંહ (ઉર્ફે પિન્ટુ ચૌહાણ) સાથે ચાલતા ઘર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન રામપુરા ગામે આવેલી પોલીકેબ કંપનીના ગેટ નંબર-૪ સામે, અવની પેટ્રોલ પંપ નજીક સર્વિસ રોડ પર રસ્તો ઓળંગી રહ્યા હતા, ત્યારે પૂરઝડપે અને બેદરકારીપૂર્વક આવી રહેલી એક ઈક્કો કારના ચાલકે મુકેશભાઈને જોરદાર ટક્કર મારી હતી.અકસ્માતમાં મુકેશભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ તાત્કાલિક તેમને સારવાર અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા.અકસ્માત સર્જ્યા બાદ ઈક્કો કારનો ચાલક ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખાતે પહોંચાડી પોતાની કાર ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયો હતો. આ ઘટના અંગે મૃતકના ભાઈ નરેન્દ્રસિંહ પરમારે ઈક્કો કારચાલક વિરુદ્ધ બેદરકારીપૂર્વક વાહન ચલાવી અકસ્માત સર્જવા બદલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી ફરાર કારચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.











