GANDHINAGA: બાળકોને તેમના અધિકારો અને કાયદાઓ અંગે જાગૃત કરવા બાળ આયોગ, ગાંધીનગર ખાતે ખાતે સંવાદ કાર્યક્રમ યોજાયો

ગાંધીનગર, તા. ૦૮ સપ્ટેમ્બર, ૨૦૨૬:
ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગની કચેરી, ગાંધીનગર ખાતે રૂકશાના વોરા,નવજીવન મહિલા મંડળના સહયોગથી મ્યુનિસિપલ સ્કૂલ, વટવા-લાંભા વોર્ડના બાળકો સાથે બાળ અધિકારો અને બાળકોના રક્ષણ માટેના કાયદાઓ અંગે વિશેષ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.

આયોગની કચેરીનાં કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આયોગના અધ્યક્ષશ્રી શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જર અને સચિવ શ્રી ડી.ડી.કાપડીયાએ બાળકો સાથે સીધો સંવાદ કરી બાળ અધિકારો, પોક્સો અધિનિયમ, બાળ મજૂરી, બાળ લગ્ન, બાળકો સામેની હિંસા અને શોષણ તથા બાળ સુરક્ષા સંબંધિત કાયદાઓ અંગે સરળ ભાષામાં મહત્વપૂર્ણ માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. તેમજ આ અંગે Documentry Film નું નિર્દશન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે બાળકોને પોતાના અધિકારો અંગે જાગૃત રહેવા તેમજ કોઈપણ પ્રકારની હિંસા, શોષણ કે મુશ્કેલીનો સામનો કરવો પડે ત્યારે તાત્કાલિક વિશ્વાસુ વડીલ, શિક્ષક અથવા સંબંધિત સત્તાધિકારીનો સંપર્ક કરવા અંગે સમજ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમ દરમિયાન બાળકોએ બાળ અધિકારો અને કાયદાઓ અંગે વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા, જેના આયોગના અધ્યક્ષશ્રી અને સચિવશ્રી દ્વારા સરળતાથી જવાબો આપવામાં આવ્યા હતા. બાળકોને તેમના અધિકારોની જાણકારી આપીને તેમને સશક્ત બનાવવાનો આ સંવાદ કાર્યક્રમ મહત્વપૂર્ણ પહેલ બની રહ્યો હતો.










