તારીખ ૨૭/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
1962 પર ફોન કરતાં ‘તમારો વિસ્તાર કાલોલથી દૂર હોવાથી સેવા ઉપલબ્ધ નથી’ એવો જવાબ મળ્યાનો સ્થાનિકોનો આક્ષેપ; પશુચિકિત્સકનો સંપર્ક નંબર પણ બંધ હોવાની ફરિયાદ
બોડીદ્રા ગામ તરફ જવાના માર્ગ પાસે કરાના મુવાડા ગામની બે ભેંસોના શિંગડા એકબીજામાં ભરાઈ જતા બંને પશુઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને ભારે મહેનત બાદ બંને ભેંસોને છૂટી કરાવવામાં આવી હતી.ઘટના બાદ પશુઓને જરૂરી સારવાર અને તબીબી તપાસ મળી રહે તે માટે સ્થાનિકોએ સરકારની 1962 પશુ સારવાર હેલ્પલાઇન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સ્થાનિકોના જણાવ્યા મુજબ 1962 પર ફોન કરતાં ‘તમારો વિસ્તાર કાલોલથી દૂર હોવાથી સારવારની સુવિધા ઉપલબ્ધ નથી’ તેવો જવાબ મળ્યો હતો.આ ઉપરાંત, સ્થાનિકોએ પશુચિકિત્સકનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં સંબંધિત ડોક્ટરનો મોબાઇલ નંબર બંધ હાલતમાં હોવાનું પણ જણાવ્યું હતું. જેના કારણે પશુઓને સમયસર સરકારી પશુ સારવારની સુવિધા મળી શકી ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.
છેવાડાના ગામડાઓ માટે સરકારી સેવા ક્યારે?સ્થાનિકોનો સવાલ છે કે સરકાર દ્વારા પશુપાલકો માટે પશુ સારવારની હેલ્પલાઇન અને મોબાઇલ પશુ દવાખાનાની સુવિધા ઉપલબ્ધ હોવા છતાં જો અંતર અથવા અન્ય કારણોસર બોડીદ્રા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં તાત્કાલિક સારવાર ઉપલબ્ધ ન થાય તો પશુપાલકો મુશ્કેલીમાં મુકાઈ શકે છે.પશુપાલન અનેક ગ્રામ્ય પરિવારોની આવકનો મહત્વનો આધાર છે. આવા સંજોગોમાં પશુ બીમાર પડે, ઈજાગ્રસ્ત થાય અથવા અકસ્માત સર્જાય ત્યારે સમયસર પશુચિકિત્સકની સેવા મળવી જરૂરી છે.ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ધ્યાન આપવું જરૂરી બન્યુ. સ્થાનિકોએ માંગ કરી છે કે કાલોલ તાલુકાના છેવાડાના ગામોમાં પશુ સારવારની સરકારી વ્યવસ્થા વધુ સુદૃઢ કરવામાં આવે, 1962 હેલ્પલાઇન દ્વારા વાસ્તવિક અને સમયસર સેવા મળે તેમજ સંબંધિત પશુચિકિત્સકનો સંપર્ક સરળતાથી થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે.સ્થાનિકોના જણાવ્યા મુજબ, સરકારી સુવિધા કાગળ પર નહીં પરંતુ જરૂરિયાતના સમયે ગામડાના પશુપાલકો સુધી પહોંચે તે માટે સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંબંધિત તંત્રએ આ બાબતે તાત્કાલિક ધ્યાન આપવું જોઈએ.










