174 મુસાફરોના જીવ બચાવનારા પાયલટ સ્મિત મચ્છરને સન્માનિત કરશે ગુજરાત સરકાર

યુએઈથી ઈઝરાયલ જતી ફ્લાઈટમાં બે પાયલટ વચ્ચે લોહિયાળ સંઘર્ષ બાદ ગુજરાત મૂળના પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરે જે બહાદુરી બતાવી તેની આજે દુનિયાભરમાં ચર્ચા થઇ રહી છે. તેના કારણે જ 174 મુસાફરોના જીવ બચી ગયા હતા. તેમની આ બહાદુરીને બિરદાવતા ગુજરાત સરકારે એક મોટી જાહેરાત કરી છે.

આ મામલે X પર પોસ્ટ કરીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે મૂળ ગુજરાતના આ વીર સપૂતે પોતાના શૌર્યથી સમગ્ર વિશ્વમાં ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે. તેમની રગોમાં વહેતી ગુજરાતી ખુમારી પર આપણને સૌને અત્યંત ગર્વ છે. તેમના આ અસાધારણ શૌર્ય અને માનવતાના કાર્યને સન્માનવા માટે, ગુજરાત સરકાર કેપ્ટન સ્મિત મચ્છરને ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’ થી સન્માનિત કરશે. સમગ્ર ગુજરાત તેમના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યું છે. દેશવાસીઓની સંવેદના અને પ્રાર્થના કેપ્ટન સ્મિત મચ્છરની સાથે છે.

દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073માં કોકપિટની અંદર થયેલા હિંસક હુમલામાં ઘાયલ ભારતીય પાયલટ કૅપ્ટન સ્મિત મચ્છરની તબૂકની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે તેમની હાલત સ્થિર છે અને દૂતાવાસ તેમના પરિવારના સંપર્કમાં છે. 30 સપ્ટેમ્બરે બનેલી આ ઘટનામાં ફ્લાઇટમાં 174 લોકો સવાર હતા. ઉડાન દરમિયાન કૅપ્ટન સ્મિત મચ્છર અને તેમના કો-પાયલટ વચ્ચે કોકપિટમાં વિવાદ થયો હતો. અહેવાલો અનુસાર કો-પાયલટે સ્મિત મચ્છર પર ચાકુથી હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા છતાં સ્મિતે વિમાનનું નિયંત્રણ જાળવી રાખ્યું હતું.

આ દરમિયાન વિમાન અચાનક ઝડપથી નીચે જવા લાગ્યું. કોકપિટમાંથી આવતી બૂમાબૂમ અને સ્થિતિને પગલે કેટલાક મુસાફરો અને ક્રૂ સભ્યો કોકપિટ તરફ પહોંચ્યા. ગંભીર ઈજા છતાં સ્મિત મચ્છરે કોકપિટનો દરવાજો ખોલી દીધો. આથી મુસાફરો અને ક્રૂને અંદર પ્રવેશવાની તક મળી અને હુમલાખોર કોપાયલટને કાબૂમાં લેવામાં મદદ મળી હતી. ત્યાર બાદ વિમાનમાં મુસાફર તરીકે સવાર બે ઑફ-ડ્યુટી પાયલટોએ નિયંત્રણ સંભાળ્યું. ફ્લાઇટને સાઉદી અરેબિયાના તબૂક ઍરપૉર્ટ પર ઇમરજન્સી લેન્ડ કરવામાં આવ્યું. વિમાનમાં સવાર અન્ય મુસાફરો અને ક્રૂ સુરક્ષિત હોવાનું સત્તાવાળાઓએ જણાવ્યું છે.

ઘટના બાદ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કૅપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીની પ્રશંસા કરી હતી. ગંભીર રીતે ઘાયલ હોવા છતાં કોકપિટનો દરવાજો ખોલવાથી મુસાફરો અને ક્રૂને હુમલાખોરને કાબૂમાં લેવાની તક મળી હોવાનું તેમણે જણાવ્યું હતું. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સ્મિત મચ્છરની હિંમતની પ્રશંસા કરી છે. ગંભીર ઈજા છતાં તેમણે અન્ય લોકોના જીવ બચાવવા માટે જે પગલું લીધું તેને બંને દેશોના નેતાઓએ મહત્ત્વપૂર્ણ ગણાવ્યું હતું.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો