HTAT મુખ્ય શિક્ષક સંવર્ગ અને પ્રાથમિક શિક્ષણના પ્રશ્નો અંગે શિક્ષણ મંત્રી, શિક્ષણ સચિવ, પ્રાથમિક નિયામક તથા અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક સંપન્ન.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૧૯ સપ્ટેમ્બર : મુખ્ય શિક્ષક શૈક્ષિક મહાસંઘ અને પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા દ્વારા ફળદાયી રજુઆતને આવકાર

એચ.ટાટ શૈક્ષિક મહાસંઘ ગુજરાતે મુખ્ય શિક્ષકોની સેવાકીય વિસંગતતાઓ અને વિદ્યાર્થી હિતના પ્રશ્નોની ધારદાર રજૂઆત કરી; સરકારશ્રી તરફથી સકારાત્મક ઉકેલની ખાતરી.

સમગ્ર ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા HTAT મુખ્ય શિક્ષક સંવર્ગના સેવાકીય, નાણાંકીય, વિદ્યાર્થી લક્ષી પ્રશ્નો તથા શાળાઓના વહીવટી પ્રશ્નોના નિરાકરણ માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – ગુજરાત એચ. ટાટ સંવર્ગ દ્વારા આજે, ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ સ્વર્ણિમ સંકુલ-૧ (નર્મદા ભવન), ગાંધીનગર ખાતે શિક્ષણ વિભાગના ઉચ્ચ પદાધિકારીઓ સાથે એક નિર્ણાયક બેઠક યોજાઈ ગઈ. જેમાં અખિલ ભારતીય અધિકારી સહિત સમગ્ર રાજ્યના પ્રદેશ પદાધિકારીઓ તથા તમામ જિલ્લાઓમાંથી ૨૫૦ થી વધુ પદાધિકારીઓની ઉપસ્થિત રહી.માનનીય શિક્ષણ મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા સાહેબના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં શિક્ષણ વિભાગના અગ્ર સચિવશ્રી મિલિંદ તોરવણે સાહેબ તથા પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી પી. કે. ત્રિવેદી સાહેબ અને વિભાગ ના અધિકારી ગણ ઉપસ્થિત રહ્યા. મંત્રીશ્રીના આમંત્રણને માન આપીને યોજાયેલી આ બેઠકમાં સંગઠનના અખિલ ભારતીય સહ સચિવ પ્રાથમિક સંવર્ગ પલ્લવીબેન પટેલ, પ્રદેશ અધ્યક્ષશ્રી મિતેષભાઈ ભટ્ટ, પ્રદેશ મહામંત્રી પરેશભાઈ પટેલ, સંગઠન મંત્રી સરદારસિંહ મછાર, HTAT સંવર્ગ અધ્યક્ષ પ્રવિણસિંહ વાઘેલા તથા પ્રાથમિક સંવર્ગ અધ્યક્ષશ્રી અનિરુદ્ધસિંહ સોલંકી, અતિરિક્ત મહામંત્રી પરેશભાઈ પટેલ (ગાંધીનગર),મંત્રી રમેશભાઈ ગાગલ સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી સંવર્ગના પડતર પ્રશ્નોની ગંભીરતા મંત્રીશ્રી સમક્ષ મૂકી હતી.બેઠક ના પ્રારંભમાં પ્રાંત અધ્યક્ષશ્રી મિતેષભાઈ ભટ્ટ દ્વારા ભૂમિકા રજૂ કર્યા બાદ, HTAT સંવર્ગ અધ્યક્ષશ્રી પ્રવિણસિંહ વાઘેલા દ્વારા શાળાઓની વાસ્તવિક પરિસ્થિતિ અને વહીવટી અડચણોને સાંકળીને તમામ પડતર પ્રશ્નો તથા વિદ્યાર્થી હિતના પ્રશ્નો વિગતવાર રજૂ કરવામાં આવ્યા હતા.બેઠકમાં રજૂ થયેલા મુખ્ય મુદ્દાઓ: બદલી કેમ્પનું સમયપત્રક: ગત વર્ષના બાકી સામાન્ય કેમ્પ અને ચાલુ વર્ષના આંતરિક, અરસપરસ તેમજ જિલ્લા ફેરબદલી કેમ્પ તાત્કાલિક યોજવા અને કુલ ખાલી જગ્યાઓના ૭૫% જગ્યાઓ જિલ્લા ફેરબદલીથી ભરવી.

સળંગ સેવા અને સેવા જોડાણ: તા-૦૧/૦૪/૨૦૦૫ પછી ગ્રાન્ટેડ માધ્યમિક કે આશ્રમ શાળામાં બજાવેલ ફરજનો સમયગાળો સળંગ ગણવો, HTAT માં જોડાવા આપેલા રાજીનામાને ‘ટેકનિકલ રાજીનામું’ ગણવું તેમજ વિદ્યાસહાયક તબક્કાથી જ સેવા સાતત્ય આપવું.પગાર રક્ષણ અને વિસંગતતા નિવારણ: સીધી ભરતીથી આવેલા HTAT મુખ્ય શિક્ષકોને અગાઉની પ્રાથમિક શાળાની નોકરી ગણીને ૨૦ વર્ષીય ઉચ્ચતર પગાર ધોરણ આપવું જેથી સાથી શિક્ષકો કરતાં પગાર ઓછો ન થાય. બઢતીથી આવેલા મુ.શિ.ને એક કાલ્પનિક ઇજાફો મંજૂર કરવો.વધારાના ચાર્જમાંથી મુક્તિ: વહીવટી કાર્યક્ષમતા અને શૈક્ષણિક ગુણવત્તા જળવાય તે માટે મુખ્ય શિક્ષકોને અન્ય શાળાના વધારાના ચાર્જ આપવાનો પરિપત્ર રદ કરવો.ડિજિટલ કામગીરીનું સરળીકરણ અને શાળા સહાયક: ૨૫થી વધુ એપ્લિકેશન/પોર્ટલના સ્થાને એકીકૃત ‘માસ્ટર ડેટાબેઝ’ બનાવવો અને ધોરણ ૧ થી ૮ ની શાળાઓમાં વહીવટી ભારણ હળવું કરવા સત્વરે ‘શાળા સહાયક’ ની ભરતી કરવી.SNA SPARSH ગ્રાન્ટ વ્યવસ્થા: દરેક બિલ જિલ્લા કક્ષાએ હાર્ડ કોપીમાં જમા કરાવવાની જટિલ વ્યવસ્થા હળવી કરી શાળા સ્તરે નાણાકીય પ્રક્રિયા સુગમ કરવી.કાયમી સફાઈ વ્યવસ્થા અને માર્ગદર્શિકા: માત્ર સ્વચ્છતા ગ્રાન્ટ વધારવાના બદલે દરેક શાળામાં કાયમી સફાઈ કર્મચારીની વ્યવસ્થા કરવી. સમૂહજીવન કે સ્વચ્છતા પ્રવૃત્તિઓને ‘બાળ મજૂરી’ ના નામે બદનામ ન કરવામાં આવે તે માટે શિક્ષણ વિભાગ તરફથી સ્પષ્ટ જાહેર SOP/માર્ગદર્શિકા જારી કરવી.શિષ્યવૃત્તિ અને વિદ્યાર્થી હિત: આધાર પુરાવાના અભાવે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિથી વંચિત ન રહે તે માટે છૂટછાટ આપવી, બાલવાટિકાના ST વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ દરખાસ્તની પોર્ટલ ખામી સુધારવી, બેંક ખાતાની મર્યાદા હળવી કરવી, સત્રની શરૂઆતમાં જ પુસ્તકો ઉપલબ્ધ કરાવવા અને CET યોજના અંગે પુનઃ સમીક્ષા કરવી.

સરકાર તરફથી સકારાત્મક ખાતરી: માનનીય પ્રાથમિક શિક્ષણ નિયામક પી. કે. ત્રિવેદી એ તમામ પ્રશ્નો અન્વયે વિગતવાર જવાબ આપી હકારાત્મક ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. ત્યાર બાદ માનનીય અગ્ર સચિવ મિલિંદ તોરવણે સાહેબ દ્વારા પણ પ્રશ્નો અને શિક્ષણમાં ગુણવત્તા બાબતે માર્ગદર્શન આપી શૈક્ષિક મહાસંઘ દ્વારા દરેક પ્રશ્નોની આધાર-પુરાવા સાથે પદ્ધતિસરની રજૂઆતના વખાણ કરી શૈક્ષિક મહાસંઘની પ્રતિબદ્ધતાને બિરદાવી હતી.માનનીય શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા સાહેબ, સચિવશ્રી તથા નિયામકશ્રી દ્વારા રજૂ થયેલા તમામ પ્રશ્નોને ગંભીરતાથી સાંભળી સહાનુભૂતિપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.

શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે શિક્ષકો વહીવટી અને નાણાકીય બાબતોથી મુક્ત થઈ નિર્ભયપણે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી શકે તે દિશામાં સરકાર તમામ વ્યાજબી પ્રશ્નોની ચકાસણી કરી વહેલી તકે ઉકેલ લાવશે. માનનીય શિક્ષણ મંત્રીશ્રી દ્વારા ઉપસ્થિત મુખ્ય શિક્ષકો અને શિક્ષકો દ્વારા કરવામાં આવી રહેલ ઉત્તમ કામગીરીને પણ બિરદાવવામાં આવી હતી.

અંતમાં, મુખ્ય શિક્ષકોના પ્રશ્નોને સંવેદનશીલતાથી સાંભળવા બદલ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – ગુજરાત દ્વારા શિક્ષણ મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા સાહેબ અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.કચ્છ જિલ્લા શિક્ષકો વતિ મુખ્ય શિક્ષક શૈક્ષિક મહાસંઘ રાજય મંત્રી અમરાભાઈ રબારી,જિલ્લા અધ્યક્ષ પ્રભુભાઈ ઢીલા, મહામંત્રી રોહિતભાઈ રાજગોર અને પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ રાજય પ્રતિનિધિ રામસંગજી જાડેજા, જિલ્લા અધ્યક્ષ લખધીરસિંહ જાડેજા, મહામંત્રી મયુરભાઈ પટેલ દ્વારા શિક્ષક,વિદ્યાર્થી અને શિક્ષણ હિત લક્ષી બેઠક અને રજુઆતને આવકારી હતી તેવું જિલ્લા પ્રચાર પ્રમુખ તરૂણભાઇ શાહની યાદીમાં જણાવાયું હતું.

33
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો