વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : મહાનગરપાલિકા દ્વારા આઝાદ ચોક સ્થિત એ.જી. સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ‘સ્વદેશી મેળો-૨૦૨૬’ સ્થાનિક ઉત્પાદકો અને ખેડૂતો માટે સફળ પ્લેટફોર્મ પૂરવાર થઈ રહ્યો છે. મેંદરડા તાલુકાના આલીધ્રા ગામના પ્રગતિશીલ ખેડૂત દિલીપ ફળદુએ પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોનું સફળ વેચાણ કરીને શરૂઆતના માત્ર ૭ દિવસમાં રૂ. ૬૦ થી ૭૦ હજારની કમાણી કરી છે.
વર્ષ ૨૦૧૪થી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા દિલીપ ફળદુ કોઈપણ રાસાયણિક ખાતર કે ઝેરી દવાઓ વગર ખેતી કરે છે. તેઓ માત્ર કાચો માલ વેચવાને બદલે તેનું મૂલ્યવર્ધન (વેલ્યુ એડિશન) કરી ૫૦૦ ગ્રામ અને ૧ કિલોના આકર્ષક પેકિંગમાં ગ્રાહકો સુધી પહોંચાડે છે.
સ્વદેશી મેળામાં તેમના સ્ટોલ પર પ્રાકૃતિક કઠોળ (અડદ, ચણા, તુવેર) અને શાકભાજીની કાચરીની સાથે-સાથે બાળકો માટે વિશેષ રૂપે મેંદા અને કૃત્રિમ રંગ વગરના જુવારના પફ, મકાઈના પૌવા, જોય સ્ટિક, પોટેટો ચિપ્સ, રવાના પાસ્તા તેમજ મિલેટ્સ આધારિત રાગીની પૂરી અને મમરા જેવા પૌષ્ટિક નાસ્તાનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.
આઝાદ ચોક ખાતે ૨૨ ઓક્ટોબરથી શરૂ થયેલો આ સ્વદેશી મેળો આગામી ૨ નવેમ્બર સુધી ચાલશે. દિલીપ ફળદુએ નાગરિકોને પોતાના દૈનિક જીવનમાં પ્રાકૃતિક પેદાશો અપનાવી સ્વાસ્થ્ય સુધારવા અને સ્થાનિક ખેડૂતોને પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો છે.










