જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂ.૬.૨૮ કરોડના વિકાસકામોને મંજૂરી

રોડ, ભૂગર્ભ ગટર, પમ્પિંગ સ્ટેશન, સૌંદર્યીકરણ સહિતના વિવિધ કામોની દરખાસ્તો મંજૂર : વડાપ્રધાનની જામનગર મુલાકાતના રૂ.૪.૦૪ કરોડના ખર્ચને પણ બહાલી
જામનગર
(નયના દવે દ્વારા)
જામનગર તા. ૯ : જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મહત્વની બેઠક તા. ૮ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરેનકુમાર પી. મોનાણીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં કમિટીના ૧૧ સભ્યો ઉપરાંત મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, મ્યુનિસિપલ કમિશનર દિપેશ કેડીયા, ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી એન્જિનિયર ભાવેશભાઈ જાની તેમજ આસિસ્ટન્ટ કમિશનરો સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં શહેરના વિવિધ વિકાસકામો અંગેની દરખાસ્તો પર ચર્ચા કરી કુલ રૂ.૬.૨૮ કરોડના અંદાજિત ખર્ચના કામો અંગે જરૂરી નિર્ણયો લેવામાં આવ્યા હતા. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત વોર્ડ નં. ૧૨માં મંજૂર થયેલા સીસી રોડના બાકી રહેલા કામને રદ કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી.
શહેરના વિવિધ વિકાસકામો જેવા કે રોડ, ટ્રાફિક, સૌંદર્યીકરણ, મકાન, બગીચા અને જાળવણી સહિતના બાંધકામ કામોના તૃતીય પક્ષ નિરીક્ષણ માટે રૂ.૧૯.૧૦ લાખના ખર્ચની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. તેમજ શહેરના પાંચ ગંદા પાણીના પમ્પિંગ સ્ટેશનોના વિદ્યુત-યાંત્રિક, બાંધકામ તથા પમ્પિંગ કામગીરીના ૧૨ માસના વ્યાપક સંચાલન અને જાળવણી માટે રૂ.૧૬૯.૦૩ લાખના ખર્ચને મંજૂરી અપાઈ હતી.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ઉત્તર ઝોનમાં ભૂગર્ભ ગટર નેટવર્કના મજબૂતીકરણ અંતર્ગત વોર્ડ નં. ૪માં નવાગામ ઘેડ વિસ્તારના પમ્પિંગ સ્ટેશન ચોકડી પાસે બની રહેલા નવા ડી.પી. રોડમાં ભૂગર્ભ ગટર લાઈન નાખવાના કામ માટે રૂ.૨૨.૦૮ લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી.
આ ઉપરાંત ચોમાસા પૂર્વેની કામગીરી અંતર્ગત ભાડાના ખોદકામ યંત્ર ચલાવવા માટે રૂ.૧૩.૭૦ લાખના ખર્ચની દરખાસ્ત પણ મંજૂર કરવામાં આવી હતી.
તા. ૧૦ મે, ૨૦૨૬ના રોજ વડાપ્રધાનની જામનગર મુલાકાત દરમિયાન થયેલા રૂ.૪૦૪.૪૪ લાખના ખર્ચ અંગેની દરખાસ્ત પણ બેઠકમાં રજૂ કરવામાં આવી હતી, જેને જરૂરી નિર્ણય સાથે મંજૂરી આપવામાં આવી હતી.
ફાયર શાખા દ્વારા રજૂ કરવામાં આવેલા તા.૧૪ સપ્ટેમ્બરથી તા.૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધીના સાપ્તાહિક આગના બનાવોના અહેવાલ તેમજ બેઠકના ક્રમ નં.૧૦થી ૨૧ સુધીની અન્ય બાબતો પણ ધ્યાને લેવામાં આવી હતી.
સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓને લગતી વિવિધ કામગીરી અંગેની દરખાસ્તો પર ચર્ચા કરી જરૂરી મંજૂરી અને નિર્ણય લેવામાં આવ્યા હતા.











