વાંસદા નેશનલ પાર્કમાં વન વિભાગનો સપાટો: ખેરનાં લાકડાં ભરેલી બોલેરો ઝડપી રૂ. 2.16 લાખનો મુદ્દામાલ કબજે

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તકના વાંસદા નેશનલ પાર્કની નવતાડ રેન્જના વન વિભાગના સ્ટાફે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ખેરનાં લાકડાંની ગેરકાયદેસર હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. વન વિભાગની ટીમે શંકાસ્પદ મહિન્દ્રા બોલેરો ગાડીનો પીછો કરીને તેને કબજે કરી હતી. વાહનની તપાસ દરમિયાન બિનપરવાનગીનાં ખેરનાં છોલેલાં ઇમારતી લાકડાં મળી આવતાં વાહન સહિત કુલ રૂ. 2,16,660નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, તા. 09 ઓક્ટોબર, 2026ના રોજ નવતાડ રેન્જના વન વિભાગના સ્ટાફ અને રોજમદારો દ્વારા વઘઈથી વાંસદા જતા મુખ્ય માર્ગ પર નાઈટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન વહેલી સવારે આશરે 6:30 વાગ્યે ખાંભલા ફાટક પાસે નંબર GJ-09-BB-5712 ધરાવતી મહિન્દ્રા બોલેરો ગાડી શંકાસ્પદ જણાતાં વન વિભાગની ટીમે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે, વાહનચાલકે ગાડી રોકવાને બદલે પૂરપાટ ઝડપે ભગાવી મૂકતાં વન વિભાગની ટીમે તેનો પીછો કર્યો હતો. અંતે આંબાબારી ખાતે નવતાડ નાહરી હોટલની બાજુમાં વાહન ઊભું રાખીને ચાલક ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ વન વિભાગના કર્મચારીઓએ ગાડીની તપાસ કરતાં તેમાં બિનપરવાનગીનાં ખેરનાં છોલેલાં લાકડાં મળી આવ્યાં હતાં.

તપાસ દરમિયાન ખેરનાં લાકડાંના કુલ 19 નંગ મળી આવ્યાં હતાં, જેનો જથ્થો 0.476 ઘનમીટર નોંધવામાં આવ્યો હતો. વન વિભાગે લાકડાંની અંદાજિત કિંમત રૂ. 16,660 અને મહિન્દ્રા બોલેરો ગાડીની અંદાજિત કિંમત રૂ. 2,00,000 આંકી છે. આમ, બંનેની કુલ કિંમત રૂ. 2,16,660 થાય છે.

વન વિભાગની ટીમ દ્વારા સમયસર હાથ ધરવામાં આવેલી નાઈટ પેટ્રોલિંગની કામગીરીના પગલે લાકડાંની ગેરકાયદેસર હેરાફેરીનો પ્રયાસ સામે આવ્યો છે. હાલ વન વિભાગે વાહન અને લાકડાં કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. ફરાર વાહનચાલકની ઓળખ અને તેને લગતી વધુ વિગતો તપાસ બાદ સ્પષ્ટ થશે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો