તારીખ ૩૦/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
કાલોલની પ્રતિષ્ઠિત એમ.એમ. ગાંધી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં શિક્ષણમાં નવીનતા અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું. કોલેજના સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના બૌદ્ધિક વિકાસ અને પરીક્ષાલક્ષી તૈયારીના હેતુથી તમામ પેપરની વૈકલ્પિક કસોટી ઓનલાઈન માધ્યમથી યોજવામાં આવી હતી.
આજના અત્યાધુનિક યુગમાં મોબાઈલ અને ટેકનોલોજીનો શિક્ષણમાં કેવી રીતે સદુપયોગ થઈ શકે તેનું આ સફળ આયોજન હતું. વિદ્યાર્થીઓએ પોતાના મોબાઈલ ફોનમાં જ ઓનલાઈન ક્વિઝ સ્વરૂપે આ કસોટી આપી હતી. આ પદ્ધતિથી વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેઓએ ઉતમ પ્રદર્શન કરી શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કર્યું હતું. અને આ ઓનલાઇન કસોટીમાં સમાજશાસ્ત્ર વિષયના તમામ પેપરને આવરી લેવામાં આવ્યા હતા, જેથી વિદ્યાર્થીઓની સંપૂર્ણ તૈયારી થઈ શકે. પરંપરાગત પેન-પેપર પરીક્ષાને બદલે ઓનલાઈન ક્વિઝથી વિદ્યાર્થીઓને નવા પ્રકારના પ્રશ્નો અને ત્વરિત પરિણામનો અનુભવ મળ્યો હતો. ત્યારે આ નવતર પ્રયોગમાં કોલેજના ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા અને તેઓએ સક્રિય ભાગીદારી નોંધાવી હતી. વિદ્યાર્થીઓએ પણ આ પ્રકારની કસોટીને આવકારી હતી અને ભવિષ્યમાં પણ આવી કસોટીઓ યોજાય તેવી માંગ કરી હતી.આ સમગ્ર આયોજન સમાજશાસ્ત્ર વિભાગના ડો. હરેશ સુથાર દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. તેમના આ પ્રયાસથી વિદ્યાર્થીઓને ડિજિટલ શિક્ષણ સાથે જોડાવાની અને પોતાના જ્ઞાનને ચકાસવાની ઉત્તમ તક મળી હતી.












