દિવાળીના તહેવારોને લઈ જામનગર પોલીસ અલર્ટ મોડમાં: સમગ્ર જિલ્લામાં મેગા કોમ્બિંગ

શહેર અને જિલ્લાના તમામ પ્રવેશ માર્ગો પર પોલીસનો ચાંપતો પહેરો: વાહન ચેકિંગ, બ્રેથ એનાલાઇઝરથી તપાસ અને કારમાંથી ડાર્ક ફિલ્મો દૂર કરાવાઈ
વિશેષ ટ્રાફિક ડ્રાઇવમાં ૫૩૮ રિક્ષા ચેક, ૪૨ એન.ડી.પી.એસ.ના આરોપીઓની તપાસ, ૬૯,૪૦૦નો દંડ વસૂલાયો
જામનગર
(નયના દવે દ્વારા)
જામનગર, તા. ૬ : દિવાળીના તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જામનગર શહેર અને જિલ્લા પોલીસ તંત્ર અલર્ટ મોડ પર આવી ગયું છે. તહેવારોના માહોલમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સુરક્ષાના ભાગરૂપે ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ગઈકાલે રાત્રે જામનગર શહેર સહિત સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ અને સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જામનગરના પોલીસ અધિક્ષક ડૉ. રવિમોહન સૈનીની રાહબરી હેઠળ શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પોલીસની ટીમો તૈનાત કરવામાં આવી હતી. ખાસ કરીને શહેર તથા જિલ્લામાં પ્રવેશતા અને બહાર નીકળતા માર્ગો પર આવેલી ચેકપોસ્ટો પર પોલીસ બંદોબસ્ત ગોઠવી તમામ પ્રકારનાં વાહનોનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવ્યું હતું. ફોરવ્હીલ સહિતનાં વાહનોને રોકીને તેમાં લઈ જવાતા સામાન અને અન્ય વસ્તુઓની તપાસ કરવામાં આવી હતી. કોઈ શંકાસ્પદ વસ્તુ કે પ્રવૃત્તિ ધ્યાને આવે છે કે કેમ તે દિશામાં પણ પોલીસ દ્વારા તકેદારી રાખવામાં આવી હતી.
આ ઉપરાંત રાત્રિના સમયે વાહન ચલાવીને નીકળતા ચાલકો દારૂના નશામાં તો નથી ને તેની ખાતરી કરવા માટે બ્રેથ એનાલાઇઝર મારફતે તપાસ કરવામાં આવી હતી. વાહનોમાં લગાવવામાં આવેલી ગેરકાયદે ડાર્ક ફિલ્મો દૂર કરાવવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી.
દરમિયાન, દિવાળીના તહેવારોને અનુલક્ષીને જામનગર જિલ્લા પોલીસ દ્વારા તા. ૫ નવેમ્બરના રોજ વિશેષ ટ્રાફિક ડ્રાઇવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલિપ્ત રાય અને જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રવિમોહન સૈનીની સૂચના અને માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ કામગીરીમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ વિવિધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી.
વિશેષ ટ્રાફિક ડ્રાઇવમાં ૫૩૮ રિક્ષાનું ચેકિંગ
પોલીસની વિશેષ ડ્રાઇવ દરમિયાન જી.પી. એક્ટની કલમ ૧૩૫(૧) હેઠળ ૭ કેસ, દારૂ પીને વાહન ચલાવવા બદલ ૩ કેસ, બેફિકરાઈથી વાહન ચલાવવા બદલ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૮૧ હેઠળ ૧૨ કેસ અને ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે વાહન પાર્ક કરવા બદલ કલમ ૨૮૫ હેઠળ ૨૫ કેસ કરવામાં આવ્યા હતા. મોટર વાહન અધિનિયમની કલમ ૨૦૭ હેઠળ ૧૪ વાહનો ડિટેઇન કરવામાં આવ્યાં હતાં.
આ ઉપરાંત ૫૩૮ ઓટોરિક્ષાનું ચેકિંગ કરવામાં આવ્યું હતું, જ્યારે અગાઉ એન.ડી.પી.એસ.ના ગુનાઓમાં પકડાયેલા ૪૨ આરોપીઓની પણ તપાસ કરી તેમની વર્તમાન પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવવામાં આવી હતી. આ સમગ્ર કામગીરી દરમિયાન કુલ રૂ. ૬૯,૪૦૦નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
દિવાળીના તહેવારો દરમિયાન બજારો, જાહેર સ્થળો અને માર્ગો પર લોકોની અવરજવર વધવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે. તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જામનગર શહેર અને જિલ્લા પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ, વાહન ચેકિંગ અને કોમ્બિંગની કામગીરી ચાલુ રાખવામાં આવી છે.







