*દિવાળીના પર્વ નિમિત્તે મહેસાણા જિલ્લામાં ફૂડ વિભાગની સઘન તપાસ: ખાદ્ય ચીજવસ્તુઓના કુલ ૩૨ નમૂનાઓ લેવામાં આવ્યા**મીઠાઈની બે દુકાનોમાંથી ૬૦ કિલો અખાદ્ય મીઠાઈ અને એક્સપાયર્ડ યજથ્થાનો સ્થળ પર નાશ કરાયો*

વિજાપુર
ડેઝીગ્નેટેડ ઓફિસર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, મહેસાણા દ્વારા અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, દિવાળીના તહેવાર દરમિયાન નાગરિકોને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય સામગ્રી મળી રહે તથા જાહેર આરોગ્યનું જતન થાય તે હેતુથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, મહેસાણા દ્વારા વિશેષ તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
આ કામગીરી અંતર્ગત જિલ્લામાં બજારમાં વેચાણ થતી મીઠાઈ, નમકીન-ફરસાણ, દૂધ અને દૂધની બનાવટો, ઘી, ખાદ્ય તેલ, બેકરી પ્રોડક્ટ્સ, મસાલા, કરીયાણાની ચીજવસ્તુઓ સહિત વિવિધ ખાદ્ય પદાર્થોના વેચાણ સ્થળોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત હોટલો, મીઠાઈના કામચલાઉ વેચાણ સ્ટોલ તેમજ અન્ય ખાદ્ય ચીજવસ્તુઓના વેચાણ કેન્દ્રો પર પણ ચાંપતી નજર રાખવામાં આવી હતી.
તપાસ દરમિયાન સ્વીટ, નમકીન-ફરસાણ, બેકરી, ચાંદીનો વરખ અને તૈયાર ખોરાક સહિતની વિવિધ કેટેગરીમાંથી કુલ ૩૨ ખાદ્ય નમૂનાઓ લેવામાં આવ્યા હતા. સાથે જ ‘ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ’ના માધ્યમથી સ્થળ પર જ ખાદ્ય પદાર્થોની પ્રાથમિક ચકાસણી કરવામાં આવી હતી.
એક્સપાયર્ડ અને અખાદ્ય જથ્થાનો સ્થળ પર નાશ
તપાસ કામગીરી દરમિયાન મહેસાણાના ચોકની લીમડી, લાખવડી ભાગોળ ખાતે આવેલી મા ભગવતી મીઠાઈવાળાની પેઢીમાંથી અખાદ્ય મીઠાઈનો જથ્થો મળી આવતાં સ્થળ પર જ તેનો નાશ કરવામાં આવ્યો હતો. જેમાં ૧૫ કિલો કાલાજામ, ૩૦ કિલો બોમ્બે હલવો અને ૧૫ કિલો રબર હલવો મળી કુલ ૬૦ કિલો મીઠાઈનો નાશ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત મહેસાણાના જેલરોડ પર આવેલા ન્યુ વિષ્ણુ જનરલ સ્ટોર્સમાંથી એક્સપાયર્ડ ખાદ્ય ચીજવસ્તુઓનો જથ્થો મળી આવતાં સ્થળ પર જ તેનો નાશ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેમજ દુકાન બંધ કરાવવામાં આવી હતી.
તહેવારો દરમિયાન ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ, હલકી ગુણવત્તા અને એક્સપાયર્ડ ચીજવસ્તુઓના વેચાણને અટકાવવા ફૂડ વિભાગ દ્વારા સતત દેખરેખ અને તપાસની કામગીરી કરવામાં આવી રહી છે. નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષાને પ્રાધાન્ય આપી ખાદ્ય સુરક્ષા અને ધોરણોનું પાલન થાય તે માટે વિભાગ દ્વારા કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.






