વાલિયાના પત્રકારને ફોન પર ધમકી આપવાનો મામલો:ગાડી સળગાવી દેવાની ધમકી આપી હોવાના આક્ષેપ સાથે પત્રકારની રાજપારડી પોલીસમાં ફરિયાદ

વાલિયાના પત્રકાર રાજપારડી જીએમડીસી રોડ પર ગાડી ઉભી રાખી ફોન પર વાત કરતા હતા તે દરમિયાન અજાણ્યા ઇસમોએ વિવાદ ઉભો કર્યો
પરિવારની સલામતી સુનિશ્ચિત કરવાની માંગ સાથે પત્રકારની પોલીસ સમક્ષ ફરિયાદ
ઝઘડિયા તા.૨૨ ઓકટોબર ‘૨૬
ભરૂચ જિલ્લાના વાલિયા સ્થિત દૂરદર્શી ન્યૂઝ સર્વિસ સાથે સંકળાયેલા તંત્રી વિક્રમસિંહ દેશમુખને ગતરોજ રાજપારડીના જીએમડીસી રોડ પર કેટલાક ઇસમોએ ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે. પોતાની સાથે બનેલી ઘટના, પરિવારને મળેલી કથિત ધમકી અને રાજપારડીના જીએમડીસી રોડ પર વિવિધ ખનિજ ભરેલ વાહનોની અવરજવર અંગે નિષ્પક્ષ તપાસ કરવા રાજપારડી પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી હતી. અરજીમાં સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવા, ધમકી આપનાર વ્યક્તિઓની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી કરવા અને પોતાના પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરવા પોલીસ સમક્ષ માંગ કરવામાં આવી છે. આ અંગે
અરજદાર વિક્રમસિંહ દેશમુખે અરજીમાં જણાવ્યા અનુસાર, તા. ૨૧ ઓક્ટોબરના રોજ તેઓ પોતાના અંગત કામ અર્થે ભાલોદ ગયેલા હતા. ત્યાંથી ઘરે પરત ફરતી વખતે જીએમડીસી રોડ પર તેમની ગાડી રસ્તાની બાજુમાં ઊભી રાખેલી હતી, તે દરમિયાન બે અજાણ્યા વ્યક્તિઓ બાઇક પર ત્યાં આવ્યા હતા અને તેમની ઓળખાણ અંગે પૂછપરછ કરી હતી. અરજદારના જણાવ્યા મુજબ, તેમણે પોતે ડીએનએસ ન્યુઝના તંત્રી હોવાની ઓળખ આપી હતી. ત્યારબાદ બંને વ્યક્તિઓએ અન્ય કેતન નામના વ્યક્તિને ફોન કરી તેમની સાથે વાત કરાવી હતી.પત્રકારે પોતાની ઓળખ આપતા કેતન નામથી વાત કરનાર વ્યક્તિએ ફોન કાપી નાખ્યો હતો, ત્યારબાદ પત્રકાર તેમની ગાડી લઈને ત્યાંથી નીકળી ગયા હતા.
અરજીમાં વધુમાં જણાવાયું છે કે ઘટનાના થોડા સમય બાદ અરજદારના ભાઈના એક મિત્ર મારફતે એક અજાણ્યા નંબરથી કોઇ અજાણ્યા વ્યક્તિ દ્વારા તેમના પરિવારને ધમકી આપવામાં આવી હોવાની જાણ થઈ હતી.
અરજદારના જણાવ્યા મુજબ, તેમના ભાઈના મિત્રને ફોન કરીને કહેવામાં આવ્યું હતું કે, તેમના ભાઈ જે ચેનલ ચલાવે છે તે બંધ કરાવી દે, નહીં તો તેની ગાડી સળગાવી દેવામાં આવશે. આ ઉપરાંત પરિવારને અન્ય રીતે પણ નુકસાન પહોંચાડવાની ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ અરજીમાં કરવામાં આવ્યો છે. અરજદારે જણાવ્યું છે કે આ પ્રકારની ધમકીથી તેમના પરિવારની સુરક્ષાને લઈને ચિંતા ઊભી થઈ છે. જોકે, ધમકી આપનાર વ્યક્તિઓની ભૂમિકા પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે.વધુમાં,પત્રકાર વિક્રમસિંહ દેશમુખે પોતાની અરજીમાં જીએમડીસી રોડ પર વિવિધ ખનિજ ભરેલાં વાહનોની અવરજવરનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. તેમણે જણાવ્યું છે કે પત્રકારત્વના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી તેઓ જાહેર હિતના મુદ્દાઓને ઉજાગર કરવાનો પ્રયાસ કરે છે. અરજદારે શંકા વ્યક્ત કરી છે કે આ વાહનોની અવરજવર તથા તેને લગતા અહેવાલોના સંદર્ભમાં કોઈ વ્યક્તિને વાંધો હોઈ શકે છે. જોકે, આ બાબતની હકીકત તપાસ દ્વારા જ બહાર આવી શકે તેમ હોવાનું તેમણે અરજીમાં જણાવ્યું છે.
અરજદારે રાજપારડી પોલીસ સમક્ષ રજૂઆત કરીને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે. ઉપરાંત, જીએમડીસી રોડ પર ઓળખાણ પૂછનાર બંને અજાણ્યા વ્યક્તિઓ તથા ‘કેતન’ નામથી વાત કરનાર વ્યક્તિની ઓળખ અને ભૂમિકા અંગે તપાસ કરવામાં આવે, પરિવારને ગાડી સળગાવી દેવાની ધમકી આપવા પાછળ જવાબદાર વ્યક્તિઓની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, સદર ઇસમોએ પોતે કાલાભાઈ ઉર્ફે રીતેશભાઈ (એમએલએ)ના માણસો હોવાનું જણાવતા તે અંગે તપાસ કરવામાં આવે,જીએમડીસી રોડ પર વિવિધ ખનિજ ભરેલાં વાહનોની અવરજવર અને તેની સાથે સંકળાયેલી કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે તપાસ કરવામાં આવે, અરજદાર તથા તેમના પરિવારની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવામાં આવે, સમગ્ર મામલામાં યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવે અને તેની જાણ અરજદારને કરવામાં આવે તેવી માંગ અરજદાર દ્વારા કરવામાં આવી હતી. અને પત્રકાર તરીકે જાહેર હિતના મુદ્દાઓ રજૂ કરતી વખતે પોતાને કે પોતાના પરિવારને કોઈ પ્રકારની ધમકીનો સામનો ન કરવો પડે તે માટે પોલીસ તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે, તેવી માંગ કરી હતી.









