તસ્વીર: કુંજન પાટણવાડીયા


કઠલાલ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડે મહેમદાવાદ ખાતેથી ચોરાયેલ એક્ટિવા સાથે એક તસ્કરને ઝડપી પાડી વાહન ચોરીના વણઉકેલાયેલા ગુનાનો પર્દાફાશ કર્યો છે. કઠલાલ પોલીસ સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ કર્મચારીઓને મળેલી સંયુક્ત બાતમી આધારે બસ સ્ટેશન પાછળ આવેલા ખાડા વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી. જ્યાં ઓસરીમાં સંતાડેલી ચોરીની કાળા કલરની એક્ટિવામાંથી સીટ ખોલી સ્પેરપાર્ટ્સ કાઢી રહેલા પારસભાઈ ચંદુભાઈ વાઘરીને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો.આરોપીની કડક પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે, તેણે પોતાના સાથીદાર વિષ્ણુભાઈ ઉર્ફે બિલ્લો દેવજીભાઈ સલાટ (મારવાડી) સાથે મળીને ગત તા. ૧૧/૧૦/૨૦૨૬ના રોજ રાત્રિના સમયે મહેમદાવાદમાંથી આ એક્ટિવા ચોરી કરી હતી.પોલીસે કાળા રંગનું એક્ટિવા (નંબર: GJ-07-FF-8080), જેની અંદાજે કિંમત ₹૬૫,૦૦૦/- છે, તે રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મુખ્ય આરોપી પારસ વાઘરીની અટકાયત કરવામાં આવી છે, જ્યારે ચોરીમાં સામેલ અન્ય શખ્સ વિષ્ણુ ઉર્ફે બિલ્લો સલાટને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.










