તારીખ ૧૪/૦૯/૨૬

સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના બેઢીયા ગ્રામ પંચાયતના સરપંચ પરિવાર દ્વારા આ વર્ષે પણ ગણેશ ચતુર્થીના પવિત્ર પર્વ નિમિત્તે વિવિધ ગણેશ મંડળોને નિઃશુલ્ક ગણપતિ બાપ્પાની મૂર્તિઓનું વિતરણ કરીને ધાર્મિક અને સામાજિક એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.
બેઢીયા ગામના પૂર્વ સરપંચ સ્વ. નટુભાઈ દ્વારા ગામમાં શ્રદ્ધા અને એકતા સુદ્રઢ થાય તે હેતુથી નિઃશુલ્ક મૂર્તિ વિતરણની સુંદર પરંપરા શરૂ કરવામાં આવી હતી. સ્વ. નટુભાઈના અવસાન બાદ પણ તેમના પરિવારે આ પવિત્ર પરંપરાને અકબંધ રાખીને ગણેશ ઉત્સવ દરમિયાન મૂર્તિઓનું નિઃશુલ્ક વિતરણ ચાલુ રાખ્યું છે. આ નિઃશુલ્ક મૂર્તિ વિતરણ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ગામના સૌ ભક્તજનો વિઘ્નહર્તા ગણપતિ બાપ્પાની પોતાના મંડળો અને ઘરોમાં સ્થાપના કરી પૂજા-અર્ચના કરે, બાપ્પાના આશીર્વાદ મેળવે તેમજ બાપ્પા સૌનું કલ્યાણ કરે તેવો છે. આ સાથે જ બાર બેઢીયા વિસ્તારમાં શાંતિ, એકતા અને ભાઈચારાની ભાવના સતત જળવાઈ રહે તે માટે સરપંચ પરિવાર દ્વારા આ સરાહનીય કાર્ય કરવામાં આવી રહ્યું છે.ગામના વિવિધ ગણેશ મંડળોના આયોજકોએ મૂર્તિઓ મેળવી સરપંચ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો અને ભાવપૂર્વક બાપ્પાની સ્થાપના કરવાની તૈયારીઓ હાથ ધરી હતી.











