ગણેશ ચતુર્થી નિમિત્તે ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા પર્યાવરણ સંરક્ષણના હેતુથી ‘ઈકો ફ્રેન્ડલી ગણેશ’ મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘પ્રકૃતિ સાથે આસ્થાનો મેળ, ચાલો બનાવીએ પર્યાવરણ મિત્ર ગણેશ’ના સંદેશ સાથે યોજાયેલી સ્પર્ધામાં 40 જેટલા બાળકો ,બહેનો સહિત નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. નવા ગણેશ મંદિર, માંગરોળ રોડ, કેશોદ ખાતે યોજાયેલી સ્પર્ધામાં સ્પર્ધકોએ માટી, કાગળ, લોટ, ગોબર સહિતની કુદરતી સામગ્રીનો ઉપયોગ કરીને ગણેશજીની મૂર્તિઓ બનાવી હતી. સ્પર્ધામાં પ્લાસ્ટર ઓફ પેરિસ, કેમિકલ કલર તથા પ્લાસ્ટિક સામગ્રીનો ઉપયોગ ન કરવાની શરત રાખવામાં આવી હતી. સ્પર્ધાના વિભાગ-Aમાં પ્રથમ ક્રમે ક્વિનલ વઘાસિયા, દ્વિતીય ક્રમે ઈવા રંગોલીયા અને તૃતીય ક્રમે કાવ્યા ચનીયારા વિજેતા રહ્યા હતા. જ્યારે વિભાગ-Bમાં પ્રથમ ક્રમે હિનાબેન ગજેરા, દ્વિતીય ક્રમે નિધિ તન્ના અને તૃતીય ક્રમે આસ્થા સોલંકી વિજેતા બન્યા હતા. સ્પર્ધાના આયોજનમાં ભારત વિકાસ પરિષદ કેશોદના સંયોજકો ચિંતનભાઈ પનારા, ડો. ભૂપેન્દ્રભાઈ જોશી અને જગમાલભાઈ નંદાણિયા સહિતની ટીમે કામગીરી કરી હતી. શાખા પ્રમુખ આર.પી. સોલંકી, સચિવ જીતેન્દ્ર પટેલ સહિતના હોદ્દેદારોએ સહયોગ આપ્યો હતો. સ્થાપક પ્રમુખ ડો.સ્નેહલ તન્નાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ સ્પર્ધા દ્વારા પર્યાવરણમૈત્રી ગણેશોત્સવનો સંદેશ આપવામાં આવ્યો હતો.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ










