વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ
ખેરગામ:
કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર પ્રેરિત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, નવસારી દ્વારા આયોજિત ખેરગામ તાલુકા કક્ષાના ‘કલા મહાકુંભ ૨૦૨૬-૨૭’નું સફળ આયોજન તા. ૦૭/૧૦/૨૦૨૬ના રોજ જનતા માધ્યમિક શાળા, ખેરગામ ખાતે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ ખેરગામના મામલતદારશ્રી અને કાર્યપાલક મેજિસ્ટ્રેટશ્રી વિજયકુમાર સી. પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી પ્રકાશભાઈ આર. પટેલ તથા તાલુકા પંચાયત પ્રમુખશ્રીમતી હંસાબેન એમ. પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે શ્રી જનતા કેળવણી મંડળ, ખેરગામના પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલ, ખેરગામના સરપંચશ્રીમતી ઝરનાબેન પટેલ, તાલુકા પંચાયત સમિતિના અધ્યક્ષશ્રીમતી જીજ્ઞાબેન પટેલ, તાલુકા પંચાયત સભ્યશ્રીમતી રશ્મિબેન ટેલર તથા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી મનીષભાઈ પરમાર સહિતના આમંત્રિત મહાનુભાવોએ હાજરી આપી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.
આ કલા મહાકુંભમાં તાલુકાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાંથી કુલ ૨૪૦ જેટલા બાળ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સ્પર્ધા દરમિયાન નિબંધ, ચિત્રકલા, ભરતનાટ્યમ, ગરબા, લોકનૃત્ય અને એકપાત્રીય અભિનય જેવી વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાએથી પધારેલા નિર્ણાયકશ્રીઓ દ્વારા ગુણવત્તાના આધારે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા થનાર સ્પર્ધકોની પસંદગી કરવામાં આવી હતી.સમગ્ર સ્પર્ધાનું સુચારુ અને કુશળ સંચાલન જનતા માધ્યમિક શાળાના શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ સફળ આયોજન બદલ શ્રી જનતા કેળવણી મંડળ, ખેરગામ દ્વારા શાળા પરિવારને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.








