MALIYA:માળીયાના ખાખરેચીમાં રોટલા-શાક બનાવવા બાબતે પતિ સાથે બોલાચાલી થતાં પરિણીતાએ ઝેરી દવા પી જતાં: સારવાર દરમિયાન મોત ની*પજયું

માળીયા મિંયાણા તાલુકાના ખાખરેચી ગામની સીમમાં સામાન્ય બાબતમાં પતિ સાથે થયેલી બોલાચાલીનું મનમાં લાગી આવતાં પરિણીતાએ જંતુનાશક દવા ગટગટાવી લેતાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગતો મુજબ, મૂળ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના દેવી રામપુરા ગામના વતની અને હાલ માળીયા (મી.) તાલુકાના ખાખરેચી ગામની સીમમાં આવેલી રમાકાંતભાઈ કવાડીયાની વાડીમાં ખેતમજૂરી કરતા સંગીતાબેન વિશાલભાઈ નાયક (ઉં.વ.) નામના પરિણીતાને ગત તારીખ ૨૫/૧૦ના રોજ રાત્રિના સમયે રોટલા બનાવવામાં મોડું થવા તેમજ શાક બનાવવા બાબતે પતિ વિશાલભાઈ સાથે બોલાચાલી થઈ હતી.
પતિ સાથે થયેલી આ તકરારનું મનમાં લાગી આવતા સંગીતાબેને આવેશમાં આવી જઈ વાડીમાં આવેલી પાણીની કુંડી પાસે પડેલી જંતુનાશક દવા પી લીધી હતી. ઝેરી દવાની અસર થતાં પરિણીતાની તબિયત લથડતાં તેમને તાત્કાલિક પ્રથમ જેતપર અને ત્યારબાદ વધુ ગંભીર હાલતમાં મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન સંગીતાબેનનું કરુણ મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે હોસ્પિટલ તંત્ર દ્વારા જાણ કરવામાં આવતાં માળીયા મિંયાણા પોલીસ મથકના સ્ટાફે હોસ્પિટલ પહોંચી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી હતી અને અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ શરૂ કરી છે. સામાન્ય તકરારમાં પરિણીતાએ અંતિમ પગલું ભરી લેતાં શ્રમિક પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.











