MORBI:મોરબીમાં રેતી માફિયાની દાદાગીરી: કલેક્ટર કચેરી પરિસરમાં ખાણ-ખનીજ અધિકારીની ગાડી રોકી જાનથી મારી નાખવાની ધમકી 

MORBI:મોરબીમાં રેતી માફિયાની દાદાગીરી: કલેક્ટર કચેરી પરિસરમાં ખાણ-ખનીજ અધિકારીની ગાડી રોકી જાનથી મારી નાખવાની ધમકી

મોરબીમાં ગેરકાયદે રેતી ખનન સામે કડક કાર્યવાહી કરનાર સરકારી અધિકારીને કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં જ રોકી, બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી અપાતાં ચકચાર મચી જવા પામી છે. આ મામલે મોરબી જીલ્લા ભૂસ્તરશાસ્ત્રી અને ખાણ-ખનીજ અધિકારીની ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસે આરોપી બલભદ્રસિંહ ઉર્ફે બબભા ઝાલા વિરુદ્ધ સરકારી ફરજમાં રુકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મચ્છુ નદીના પટમાં દરોડો અને વાહનો છોડાવી જવાની ઘટના પ્રાપ્ત વિગત મુજબ, મોરબી જીલ્લા ભૂસ્તરશાસ્ત્રી અને ખાણ-ખનીજ અધિકારી જગદીશકુમાર સેમાભાઈ વાઢેરને ૨૬ ઓક્ટોબરના રોજ સાદુળકા ગામ પાસે મચ્છુ નદીના પટમાં ગેરકાયદે રેતી ખનન ચાલતું હોવાની બાતમી મળી હતી. જેને પગલે માઇન્સ સુપરવાઇઝર વિપુલભાઈ કંદોઈ અને તેમની ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન ત્યાંથી બે ખાલી ટ્રક, એક લોડર અને એક એક્સકેવેટર મશીન મળી આવ્યા હતા. સરકારી ટીમ દ્વારા વાહનો જપ્ત કરવાની કાર્યવાહી ચાલુ હતી તે દરમિયાન બે ફોરવ્હીલરમાં આવેલા ત્રણ શખ્સોએ ટીમ સાથે બોલાચાલી-ગાળાગાળી કરી જપ્ત કરાયેલાં વાહનો બળજબરીપૂર્વક છોડાવી ગયા હતા. આ અંગે ઉચ્ચ અધિકારીને જાણ કરાતાં તેમણે આરોપીઓ સામે તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ કરવા આદેશ આપ્યો હતો.

રેતી ખનન સામે કાર્યવાહી અને ફરિયાદના આદેશ બાદ, સાંજે આશરે ૭:૨૦ વાગ્યે જગદીશકુમાર વાઢેર સરકારી બોલેરો ગાડીમાં ડ્રાઇવર સાથે જીલ્લા મેજિસ્ટ્રેટ કચેરીના કમ્પાઉન્ડમાંથી બહાર નીકળી રહ્યા હતા. આ દરમિયાન સફેદ રંગની ફોર્ચ્યુનર કાર પાસે ઊભેલા એક શખ્સે હાથનો ઇશારો કરી સરકારી વાહન અટકાવ્યું હતું.

વાહન રોક્યા બાદ તે શખ્સે પૂછ્યું હતું કે, “સાદુળકા પાસે વાહનો કેમ પકડ્યાં અને મારા દીકરા તેમજ ભાઈ સામે ફરિયાદ કેમ કરાવી?” ત્યારબાદ તેણે પોતાનું નામ બલભદ્રસિંહ ઉર્ફે બબભા જીવુભા ઝાલા હોવાનું જણાવી જાહેરમાં ગંદી ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં, તેણે અધિકારીને ચેતવણી આપતાં કહ્યું હતું કે, “રોડ પર આવશો તો ઉપર ગાડી ચડાવી દઈશ” તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી તે પોતાની કાર લઈ ફરાર થઈ ગયો હતો.

કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવતી સરકારી કચેરીના પરિસરમાં જ અધિકારીને અપાયેલી આ ખુલ્લી ધમકી બાદ જગદીશકુમાર વાઢેરે મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી બલભદ્રસિંહ ઉર્ફે બબભા જીવુભા ઝાલા સામે:ભારતીય ન્યાય સંહિતા (BNS) કલમ ૨૨૧ (જાહેર સેવકની ફરજમાં રુકાવટ)કલમ ૨૯૬(ખ) (જાહેરમાં અશ્લીલ વર્તન/ગાળાગાળી)કલમ ૩૫૧(૨) (ગુનાહિત ધમકી) હેઠળ કાયદેસરનો ગુનો દાખલ કરી આગળની કાનૂની તપાસ શરૂ કરી છે. કલેક્ટર કચેરી જેવા સંવેદનશીલ વિસ્તારમાં સરકારી અધિકારી પર થયેલા આ હુમલા સમાન વર્તનને પગલે સરકારી તંત્ર અને સ્થાનિક વર્તુળોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો