MORBI:મોરબીવાસીઓને ઘરઆંગણે મળશે પાસપોર્ટ સુવિધા: ૧૪ થી ૧૬ ઓક્ટોબર દરમિયાન જિલ્લા સેવા સદન ખાતે કાર્યરત રહેશે ‘પાસપોર્ટ સેવા મોબાઇલ વાન’

મોરબી જિલ્લાના નાગરિકોને પાસપોર્ટ કઢાવવા માટે અન્ય શહેરોમાં ધરમધક્કા ન ખાવા પડે અને સરળતાથી એપોઇન્ટમેન્ટ મળી રહે તે માટે પ્રાદેશિક પાસપોર્ટ કાર્યાલય, અમદાવાદ દ્વારા એક સરાહનીય પહેલ કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયની લોકઉપયોગી પહેલ અંતર્ગત આગામી તા. ૧૪ થી ૧૬ ઓક્ટોબર દરમિયાન મોરબી ખાતે વિશેષ ‘પાસપોર્ટ સેવા મોબાઇલ વાન’ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ મોબાઇલ વાન મોરબીના શોભેશ્વર રોડ પર આવેલી કલેક્ટર કચેરી (જિલ્લા સેવા સદન) સ્થિત જિલ્લા ઇમરજન્સી ઓપરેશનલ સેન્ટર (DEOC) બિલ્ડિંગ ખાતે કાર્યરત રહેશે. અરજદારો અહીં નવી એપોઇન્ટમેન્ટ બુક કરાવી શકશે અથવા અગાઉ અન્ય કેન્દ્ર માટે લીધેલી એપોઇન્ટમેન્ટને રિશેડ્યૂલ કરીને મોરબી ખાતે અરજી સબમિટ કરી શકશે.
એપોઇન્ટમેન્ટ બુક કરવાની પ્રક્રિયા:અરજદારોએ પાસપોર્ટ ઇન્ડિયાની અધિકૃત વેબસાઇટ passportindia.gov.in પર જઈને ‘NORMAL’ કેટેગરી હેઠળ ઓનલાઇન અરજી સબમિટ કરી નિયત ફી ચૂકવવાની રહેશે.
ફી ચુકવણી બાદ વેબસાઇટ પર ફરી લોગ-ઇન કરી, ‘Schedule Appointment’ વિકલ્પમાં જઈને લોકેશન તરીકે ‘Mobile Van Morbi’ પસંદ કરવાનું રહેશે.
ઉપલબ્ધ સ્લોટમાંથી અનુકૂળ તારીખ અને સમય પસંદ કરી એપોઇન્ટમેન્ટ બુક કરી શકાશે.
અરજદારો માટે જરૂરી સૂચના:નિયત સમયે વેરિફિકેશન માટે આવતી વખતે અરજદારે તમામ જરૂરી અસલ દસ્તાવેજો (Original Documents) તેમજ તેની એક સેટ સ્વ-પ્રમાણિત (Self-Attested) ઝેરોક્ષ નકલ સાથે રાખવાની રહેશે. જરૂરી દસ્તાવેજોની વિગતો વેબસાઇટ પરના ‘Documents Advisory’ સેક્શનમાંથી મેળવી શકાશે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોરબી જિલ્લાના તમામ જરૂરિયાતમંદ નાગરિકોને આ સુવિધાનો મહત્તમ લાભ લેવા અપીલ કરવામાં આવી છે.













