વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

JNUના પ્રોફેસર અને કોંગ્રેસના સાંસદ એંગોમચા બિમોલ આકોઈજામ સામેના જાતીય સતામણીના આક્ષેપોને લઈ મહિલા મોરચાનો વિરોધ
નવસારી જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા કોંગ્રેસ કાર્યાલય બહાર રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. JNUના પ્રોફેસર અને કોંગ્રેસના સાંસદ એંગોમચા બિમોલ આકોઈજામ સામે જાતીય સતામણીના ગંભીર આક્ષેપો થયા હોવાના મુદ્દે તેમજ કોંગ્રેસ દ્વારા તેમને કથિત સમર્થન આપવામાં આવતું હોવાના વિરોધમાં આ કાર્યક્રમ યોજાયો હતો.
નવસારી જિલ્લા ભાજપ મહિલા મોરચાનાં અધ્યક્ષ સુમિત્રાબેન પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ કોંગ્રેસ કાર્યાલય બહાર એકત્રિત થઈ હતી. આ દરમિયાન કાર્યકર્તાઓએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
વિરોધ પ્રદર્શન અને ઘેરાવના એલાનને પગલે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા કોંગ્રેસ કાર્યાલય નજીક ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સતર્ક રહ્યું હતું.
આ વિરોધ પ્રદર્શનમાં જિલ્લા ભાજપ મહિલા મોરચાનાં અધ્યક્ષ સુમિત્રાબેન પટેલ, મહામંત્રી રોશનીબેન પટેલ, મહામંત્રી નીતિક્ષાબેન, પ્રદેશ કારોબારી સભ્ય શીતલબેન સોની, મહિલા મોરચાનાં પ્રદેશ કારોબારી સભ્ય જીગ્નાશાબેન પારેખ, ડેપ્યુટી મેયર કેયુરીબેન દેસાઈ, મહિલા મોરચાનાં શહેર પ્રમુખ તન્વીબેન પંચાલ, સોનાલીબેન રસાળ સહિત મહિલા કોર્પોરેટરો, જિલ્લા અને શહેર મહિલા સંગઠનનાં હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.










