MORBI:મોરબી ચોરીના મોટરસાઇકલ સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે પેટ્રોલીંગ દરમિયાન ત્રાજપર ચાર રસ્તા પાસેથી શંકાસ્પદ હાલતમાં નંબર પ્લેટ વગરના બાઇક સાથે એક ઈસમને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, SOG પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ત્રાજપર ચાર રસ્તા નજીક આવેલા બારૈયા પાન પાસે જુના ઘુંટુ રોડ તરફથી એક ઈસમ નંબર વગરના મોટરસાઇકલ સાથે નીકળતા પોલીસે તેને શંકાના આધારે રોકીને પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન ઈસમે ગોળ-ગોળ જવાબો આપતા અને મોટરસાઇકલના આર.સી. બુક કે કોઈ કાગળો રજૂ ન કરી શકતા પોલીસનો શંકા દ્રઢ બની હતી.

પોલીસે બાઇકના ચેસીસ અને એન્જિન નંબરના આધારે સર્ચ કરતા આ મોટરસાઇકલનો અસલ રજીસ્ટ્રેશન નંબર GJ-36-AB-0234 હોવાનું સામે આવ્યું હતું. બાઇક ચોરી કે છળકપટથી મેળવેલું હોવાનું જણાતાં પોલીસે બી.એન.એસ.એસ. કલમ-૧૦૬(૧) મુજબ વાહન કબજે કર્યું હતું.
આ મામલે પોલીસે આરોપી જયદેવભાઇ રમેશભાઇ ડાભી (રહે. ખરેડા ગામ, હાઈસ્કૂલ પાછળ, તા.જિ. મોરબી)ની બી.એન.એસ.એસ. કલમ-૩૫(૧)(ઈ) મુજબ અટકાયત કરી છે. આગળની વધુ તપાસ અને કાર્યવાહી અર્થે આરોપી તથા મુદ્દામાલ મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.







