MORBI: મોરબીમાં ગેરકાયદે કતલખાના મુદ્દે હિન્દુ સંગઠન લાલઘૂમ, અધિકારીઓની મિલીભગત સામે સવાલ

૯ વર્ષથી રજૂઆતો છતાં રહેણાંક વિસ્તારોમાં કતલખાના બેરોકટોક, હિન્દુ અગ્રણી કમલેશભાઈ બોરીચાનો તંત્ર પર પક્ષપાતનો આરોપ

મોરબીના વિવિધ રહેણાંક વિસ્તારોમાં ધમધમતા ગેરકાયદે કતલખાના અને નોનવેજની લારીઓ સામે સ્થાનિકો અને હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આ મામલે હિન્દુ સંગઠનના અગ્રણી કમલેશભાઈ બોરીચાએ મહાનગરપાલિકાના વહીવટી તંત્ર સામે ગંભીર આક્ષેપો કરી તાત્કાલિક નક્કર કાર્યવાહીની માંગ સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
૯ વર્ષથી રજૂઆતો છતાં તંત્ર કાગળ પર સીમિત
કમલેશભાઈ બોરીચાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રહેણાંક વિસ્તારોમાં ચાલતી આ ગેરકાયદે પ્રવૃત્તિઓ બંધ કરાવવા સ્થાનિક લોકો છેલ્લા ૯ વર્ષથી અને સંગઠન છેલ્લા ૨ વર્ષથી સતત રજૂઆતો કરી રહ્યું છે. એક મહિના પૂર્વે પણ તંત્ર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જોકે, પ્રશાસને માત્ર કાગળ પર નોટિસો ફટકારી અને જાહેરનામું બહાર પાડી સંતોષ માની લીધો છે. ગ્રાઉન્ડ લેવલ પર કોઈ જ કડક કાર્યવાહી ન થતા મોરબીના વિવિધ વિસ્તારોમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બેરોકટોક ચાલી રહી છે.

અધિકારીઓની મિલીભગત કે ડર? પક્ષપાતી વલણ સામે સવાલ
આગેવાને તંત્ર પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, “જ્યારે અધિકારીઓને ટેલિફોનિક જાણ કરવામાં આવે ત્યારે તેઓ માત્ર ફોન પર લારીઓ બંધ કરાવી દેવાની વાત કરે છે. પાલિકાના કેટલાક અધિકારીઓ અને ફૂડ-સેનિટેશન વિભાગના કર્મચારીઓ સ્થળ પર ચેકિંગ માટે જતાં પણ ડરે છે અથવા તો તેઓની સંડોવણી હોવાની શંકા ઉપજે છે.” વધુમાં તેમણે સવાલ ઉઠાવ્યો કે સામાન્ય નાના વેપારીઓની લારીઓ તંત્ર તાત્કાલિક જપ્ત કરી લે છે, જ્યારે ગેરકાયદે કતલખાના સામે આંખ આડા કાન શા માટે કરવામાં આવી રહ્યા છે?

જે મામલે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર સંજય સોનીએ જણાવ્યું હતું કે મહાપાલિકાએ વિવિધ તહેવારો નિમિતે કમિશરના જાહેરનામાં અનુસંધાને કતલખાના અને દુકાનો બંધ રાખવા સુચના આપવામાં આવી હતી જેથી શ્રાવણ માસ દરમિયાન પણ કતલખાના અને માસ, મટન અને ઈંડાની લારીઓ બંધ રાખવામાં આવી હતી તેમજ હાલમાં આ દુકાનોને ફૂડ વિભાગનું લાયન્સ મળેલ ના હોય જેથી બીનાધીકૃત ગણાય છે કાયમી ધોરણે બંધ કરવા માટે ૧૪ ઇસમોને નોટીસ આપવામાં આવી છે આગમી વીકની અંદર વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી સીલ કરવાની કામગીરી કરવામાં આવશે તેમજ અન્ય દુકાનો કે કતલખાના પણ ધ્યાને આવશે તો તેને પણ નોટીસ આપી સીલ કરવાની કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી












